દમણમાં 17મી ડિસેમ્બરે ભીમપોર વિસ્તારની એક અવાવરું જગ્યામાં અજાણી મહિલાનો મૃતદેહ પડી હોવાની જાણ દમણના કડેયા પોલીસને કરવામાં આવી હતી. માહિતી મળતા પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં આ અજાણી મહિલાની કોઈએ ધારદાર હથિયાર વડે પેટના ભાગે ઘા મારી હત્યા કરી હોવાનું FSL રિપોર્ટમાં બહાર આવતા પોલીસે હત્યારાઓને શોધી કાઢવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.
દમણમાં યુવતીને મોતને ઘાટ ઉતારનારા બે સગા ભાઈઓની પોલીસે કરી UPથી ધરપકડ - દમણપોલીસ
દમણ: ગત 17 ડિસેમ્બરે એક અવાવરું જગ્યામાંથી અજાણી મહિલાની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અજાણી મહિલાના હત્યારાઓને દમણ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ ગુનામાં મહિલાની હત્યા કરનારા બંને આરોપીઓ સગા ભાઈઓ છે અને પારિવારિક ઝઘડો તેમજ પ્રેમપ્રકરણમાં મહિલાની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.
મહિલાની હત્યા અંગેની તપાસ દરમિયાન પોલીસને કેટલીક મહત્વની કડીઓ મળતા પોલીસે ભીમપોરમાં એક રૂમમાં રહેતા અને મહિલાની હત્યા બાદના દિવસોમાં પોતાના વતન ઉત્તરપ્રદેશ (UP) નાસી ગયેલા અરુણકુમાર પાંડે, અમિતકુમાર પાંડેની ધરપકડ કરવા એક ટીમને ઉત્તરપ્રદેશ (UP) મોકલી હતી. જ્યાંથી બંને આરોપીઓની ધરપકડ કરી દમણ લાવવામાં આવ્યા હતાં.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હત્યારાઓ બંને સગા ભાઈઓ છે અને પારિવારિક તેમજ પ્રેમપ્રકરણમાં મહિલા વિમલાની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસે હત્યારા બંને ભાઈઓની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કરી 30મી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.