દમણ: સોશિયલ મીડિયા પર સંઘપ્રદેશના સાંસદ મોહન ડેલકરે પ્રદેશવાસીઓને સંબોધતા હૈયાવરાળ ઠાલવી હતી. પ્રશાસન વ્યક્તિગત રીતે લોકોને ટાર્ગેટ કરી રહ્યું છે. જેને લઈ લોકતંત્ર લથડી ચૂક્યું છે. એમના દ્વારા ચૂંટણીમાં જે વાયદાઓ આપેલા અને તે માટે દેશની લોકસભામાં પ્રદેશના લોકોની સમસ્યાના અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યાં હતાં. જેનો જવાબ જે તે મંત્રાલય સાથે વડાપ્રધાને પણ આપ્યો હતો, પરંતુ પ્રદેશ પ્રશાસને એનો આજ દિન સુધી કોઈ જવાબ આપ્યો નથી.
સાંસદની જાહેરાત આગામી લોકસભા સત્રમાં રાજીનામુ આપશે ડેલકરે વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ પ્રશાસન વિરુદ્ધ અવાજ ઉઠાવે છે તો, એને ટાર્ગેટ કરી એને દબાવી દેવામાં આવે છે. આ પ્રદેશમાં ગમે તે નિયમ બનાવી લોકોના ઘર પર હથોડા ઝીંકી દેવામાં આવે છે. જે પ્રદેશને મેડિકલ કોલેજ માટે પોતે નિઃશુલ્ક જમીન આપી તે જ જમીન પર તેની કોલેજ પર હથોડા ઝીંકાય છે. સરકારી કર્મચારીઓને બદલી કરવાના કે કાયમી નહીં કરવાના નિયમોની નોટિસ મોકલી દબાવવામાં આવે છે.
તીખા પ્રહારો કરતા સાંસદ મોહન ડેલકરે જણાવ્યું હતું કે, હું આવતા લોકસભા સત્રમાં વડાપ્રધાન અને ગૃહપ્રધાન અને લોકસભા સ્પીકરને મળ્યા બાદ મારું રાજીનામુ આપીશ.
આ તરફ મોહન ડેલકરની રાજીનામાની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં ગરમાટો આવ્યો છે. એક તરફ તેમના વીડિયોને મોટી સંખ્યામાં લાઈક મળી છે. લોકોનું સમર્થન મળી રહ્યું છે, ત્યારે સામે ટ્રોલ પણ થઈ રહ્યાં છે. સોશિયલ મીડિયામાં ડેલકરની સામે વાયરલ થતા મેસેજમાં લોકો આગામી સમયમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. ડેલકર અપક્ષ સાંસદ છે એટલે આદિવાસી પ્રજાને ભોળવી પોતાનું એકહથ્થુ શાસન સ્થાપવા માંગે છે. એવા મેસેજ વાયરલ થયા છે.
આ ઉપરાંત પ્રદેશમાં એમના જ સાંસદ કાળમાં એમનું એકહથ્થુ શાસન હતું. હવે તે રહ્યું નથી અત્યારે પ્રશાસન પ્રજાની પડખે છે અને પ્રજાના કામ થાય છે. જો પ્રશાસન નિષ્ઠુર છે તો એ માટે સાંસદ હવે કેમ બોલે છે. અત્યાર સુધી કેમ ચૂપ હતા, તેવા અનેક તીખા સવાલો સાથે ડેલકરના રાજીનામાનો મુદ્દો હાલ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.