મોટા ભાગના આદિવાસી પરિવારો સંઘપ્રદેશમાં રહે છે ત્યારે સસ્તા અનાજની દુકાનો પરથી આ કુપોષિત બાળકોને યોગ્ય પોષણયુક્ત આહાર મળી રહે તે માટે રજૂઆત કરવામાં આવી છે. આ પરિવારોને કોઇપણ વિલંબ વગર વહેલી તકે ચોખા, ઘઉં, ખાંડ, કેરોસીન, ફોર્ટિફાઇડ મીઠું, કપાસિયા તેલ સહિતની ચીજ વસ્તુઓ મળી રહે તેવી રજૂઆત કરવામાં આવી છે.
દેશમાં સૌથી વધુ દાદરા નગર હવેલીમાં 80 ટકા લોકો કુપોષિત, પોષણયુક્ત આહાર વધારવા રજૂઆત - Maharastra
સેલવાસ: સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં વસવાટ કરતાં મોટા ભાગના આદિવાસી પરિવારો કુપોષણથી પીડાઇ રહ્યા છે. અહીં વસવાટ કરતી 60% આદિવાસી વસ્તીમાંથી 80% લોકો કુપોષિત અને એનેમિયાગ્રસ્ત હોવાનું બહાર આવ્યું છે. જેને લઇ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે ચિંતા વ્યક્ત કરી છે અને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ, મંત્રાલયના પ્રધાન રામવિલાસ પાસવાનને એક પત્ર પાઠવ્યો છે. ડેલકરે આ પ્રદેશના આદિવાસી લોકોને ગુજરાત-મહારાષ્ટ્રની જેમ ફોર્ટીફાઇડ ખાદ્ય સામગ્રી પુરી પાડવા રજૂઆત કરી છે.
ડેલકરે પત્રમાં જણાવ્યું છે કે, પોષણનો ભોગ બનતા લોકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અનાજ-કરિયાણુ પુરૂ પાડવામાં આવે છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં કુપોષણની સંખ્યા દેશભરમાં સૌથી વધુ હોવા છતાં કોઇ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. આ લોકો એનેમિયા અને કુપોષણથી પીડાઈ રહ્યા છે. કુપોષણની સમસ્યાથી આદિવાસી સમાજ મુક્ત થાય તે માટે ખાણી-પીણીની ટેવમાં સુધારો કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. તે ઉપરાંત પ્રદેશમાં કાર્યરત જાહેર વિતરણ વ્યવસ્થા થકી આપવામાં આવતાં ઘઉં અને ચોખા ફોર્ટિફાઈડ નથી. જ્યારે પાડોશી ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં આદિવાસી પરિવારને ઘઉં, ચોખા, ખાંડ, કેરોસીન, ફોર્ટિફાઈડ મીઠું અને કપાસિયા તેલ આપવામાં આવે છે.