દમણમાં PUC સેન્ટરમાં લાગી લાંબી કતારો, ક્યાંક આક્રોશ તો ક્યાંક નિયમના વધામણાં - PUC માટે વેઇટિંગ
દમણ: દેશમાં સતત વઘી રહેલા માર્ગ અકસ્માતો રોકવા માટે તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા 'મોટર વ્હિકલ સંશોધન બિલ-2019' સંસદમાં પસાર કરાયું છે. સંશોધિત બિલની અનેક જોગવાઈઓ દેશભરમાં 1 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગઈ છે. નવા કાયદા અનુસાર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનમાં દંડની રકમ 5 ઘણી અને 10 ઘણી વધારવામાં આવી છે. મોટો દંડ ભરવાની બીકે દમણમાં વાહન ચાલકોએ તાત્કાલિક ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દીધું છે. પી.યુ.સી કરાવવા માટે વાહન ચાલકોની લાંબી કતારો લાગી રહી છે અને વેઇટિંગ બોલાઈ રહ્યું છે.
મોટો દંડ ભરવાની બીકે દમણમાં વાહન ચાલકોએ તાત્કાલિક ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દીધું છે, દમણના તિન બત્તી નજીક સાગર પેટ્રોલ પમ્પ અને ડાભેલ પાસે પી.યુ.સી સેન્ટરમાં PUC કરાવવા માટે વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી રહી છે. લોકો સવારથી સાંજ સુધી જયારે સમય મળે ત્યારે, કામ કાજ આટોપીને પી.યુ.સીની લાઈનમાં લાગી જાય છે. જો કે, નવા ટ્રાફિકના નિયમોથી ટ્રાફિક અવેરનેસ આવશે એ વિચારે કેટલાક વાહનચાલકો ખુશ પણ જોવા મળ્યા હતા. તો કેટલાક વાહન ચાલકોએ મોટા પ્રમાણમાં લેવામાં આવતા દંડ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. જ્યારે PUC સેન્ટર સંચાલકોએ જણાવ્યું હતું કે હાલ PUC માટે વેઇટિંગ ચાલી રહ્યું છે. લોકો પણ ક્રોધ ઠાલવતા હોય છે, પણ અમે દિવસ દરમિયાન માંડ 50 વાહનોમાં PUC ચેક કરી શકીએ છીએ.