દાદરા નગર હવેલીમાં ગેરકાયદેસર ગેસ રિફીલિંગકરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરાઇ - Dadra Nagar Haveli
દમણ, સેલવાસ, સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કેટલાય સમયથી બેરોકટોક ગેસ રિફીલિંગનો કાળો કારોબાર ચાલી રહ્યો હતો. જેથી પ્રશાસન જાગ્યું છે અને આવા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ કરતા લોકો પર તવાઈ હાથ ધરી છે.
દમણઃ દાદરા નગર હવેલીમાં ગેરકાયદેસર ગેસ રિફીલિંગનો કારોબાર ચાલાવાતો હોવાના અહેવાલ ETV ભારતમાં અને અન્ય સ્થાનિક મીડિયામાં પ્રસારિત થયા બાદ પ્રસાશન દ્વારા પ્રદેશમા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ કરનારા પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાદરા નગર હવેલી કલેકટર સંદીપકુમાર સિંઘ અને RDC અપૂર્વ શર્માના દિશાનિર્દેશ અનુસાર મહેસુલ વિભાગ દ્વારા ગેરકાનુની રીતે ઘરેલુ ગેસ સિલિન્ડર ભરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરી સિલિન્ડરો જપ્ત કરવામાં આવ્યા હતા.
આ સંદર્ભે મામલતદાર ટી.એસ.શર્માએ જણાવ્યુ હતું કે, કેટલાક દિવસોથી પ્રસાશનને સુચના મળી હતી કે, કેટલાક લોકો ગેરકાયદેસર રીતે ગેસ રિફીલિંગ કરી બજારમાં વેચી રહ્યા છે. આ સુનિશ્ચિત કરવા માટે બેત્રણ દિવસ પહેલા તપાસ હાથ ધરવામા આવી હતી. જે સંદર્ભે 15 ટીમ તૈયાર કરવામા આવી હતી. જેઓએ નરોલી, આમલી, સેલવાસ, રખોલી, મસાટમાં તપાસ કરતા દુકાનદારો પાસે ગેસ ભરવાના સાધનો અને ગેસ સિલિન્ડરો મળી આવ્યા હતાં. જેને જપ્ત કરી પોલીસને સોંપી ફરિયાદ નોંધાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.