'ઊંટ કાઢતા બકરું પેઠું' ની કહેવત મુજબ 3000ની સ્ટેમ્પ ડ્યુટી પેટે 100ના 30 સ્ટેમ્પ દસ્તાવેજના પેપર સાથે જોડવાની અને સાચવવાની જફા ઉભી થઇ છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં સ્ટેમ્પ ડ્યૂટીની રકમમાં વધારો સૂચવતું વિધેયક પસાર કરવામાં આવ્યું છે. જે પ્રમાણે હવેથી એફિડેવિટ કરવા માટે 20 રૂપિયાના સ્ટેમ્પના બદલે 50 રૂપિયાનો સ્ટેમ્પ, 50 અને 100 ના સ્ટેમ્પ પેપરને બદલે 200 રૂપિયા અને 300 રૂપિયાના સ્ટેમ્પ વાપરવા ફરજીયાત છે. જે બાદ સરકાર તરફથી હજુ સુધી 300 રૂપિયાના સ્ટેમ્પ પ્રિન્ટિંગ કરીને પુરા નહીં પાડતા અરજદારો-અધિકારીઓમાં અસંતોષ જોવા મળ્યો છે.
રાજ્યમાં નાગરિકો દ્વારા સ્થાવર મિલકતની તબદીલીના વ્યવહારો માટે નિયત કરેલા દરે સ્ટેમ્પ ડ્યૂટી તથા નોંધણી ફી ભરપાઇ કરવાની રહે છે. સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી નોન જ્યુડિશયલ સ્ટેમ્પ પેપર, ફ્રેકીંગ મશીન તથા ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફીકેટ દ્વારા કરી શકાય છે. હાલની આ પદ્ધતિમાં (1) નોન જ્યુડિશ્યલ સ્ટેમ્પ પેપર માટે પક્ષકારોએ લાયસન્સી સ્ટેમ્પ વેન્ડરનો સંપર્ક કરવાનો થાય છે. જેમાં નિયત ડીમેનેશનના રૂપિયા 50, 100, 500,1000 વગેરેના સ્ટેમ્પ પેપર મળી શકે છે. (2) ફ્રેન્કીંગ સ્ટેમ્પ માટે લાયસન્સ હોલ્ડર બેંકનો સંપર્ક કરવાનો થાય છે. (3) ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફીકેટ માટે પણ ઇ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્ર ઉપર રોકડ/બિન રોકડ લઇને રૂબરૂ જવાનું હોય છે. આ ત્રણેય પદ્ધતિઓમાં નિયત સ્થળ ઉપર કામકાજના નિયત સમય દરમિયાન જ સ્ટેમ્પ મળી શકે છે.