રેલવે અને પાલિકાના સંકલનના અભાવે વાપી વાસીઓ માટે 80 નંબરનું ફાટક બન્યું મુસીબતનું ફાટક - વાપી સમાચાર
ઇસ્ટ અને વેસ્ટમાં આવાગમન માટે રેલવે ગરનાળુ અને ઓવરબ્રિજને બાદ કરતા રાહદારીઓ માટે 80 નંબરનું ફાટક આશીર્વાદ રૂપ હતું. જેને હાલમાં જ રેલવેએ બંધ કરી દેતા રોજના અહીંથી પસાર થતા હજારો નગરજનો પરેશાનીમાં મુકાયા છે. જ્યારે 200 દુકાનદારો અને 300 જેટલા રિક્ષા ચાલકોની રોજીરોટી છીનવાઈ હોવાની ભીતિ સેવાઈ છે.
વાપીઃ નગરપાલિકા વિસ્તારના મધ્યભાગમાંથી મુંબઈ અમદાવાદ રેલવે લાઇન પસાર થાય છે. જેને કારણે અહીં ઇસ્ટમાં કે, વેસ્ટમાં જતા લોકો માટે એક ઓવરબ્રિજ અને બે રેલવે ગરનાળા બનાવવામાં આવ્યા છે. જે બંને શહેરની મુખ્ય બજારથી દૂર હોય બજારમાં જતા નગરજનો માટે ચાલીને જવાનો એકમાત્ર રસ્તો 80 નંબરનું ફાટક હતો. હાલમાં રેલવેએ આ રસ્તા પર દીવાલ ઉભી કરી દેતા શહેરીજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જે અંગે વેપારીઓનું કહેવું છે કે, રસ્તો બંધ થવાથી દુકાનદારો, રિક્ષાચાલકોની રોજગારી છીનવાઈ છે અને લોકોને માટે નવી મુસીબત ઉભી થઇ છે.
વેરીઓના જણાવ્યા મુજબ અહીં વર્ષો પહેલા 80 નંબરનું ફાટક હતું. જેને બંધ કરી બ્રિજ અને ગરનાળુ બનાવવામાં આવ્યું હતું. જો કે, ચાલીને 2 મિનિટમાં ઇસ્ટ માંથી વેસ્ટ તરફ બજારમાં આવવા માટે 80 નંબરનું ફાટક લોકો માટે તે બાદ પણ આશીર્વાદરૂપ રહ્યું હતું. એટલે પાલિકાના સત્તાધીશો સામે અહીં 23 વર્ષથી વૈકલ્પિક રસ્તા માટે રજૂઆતો કરવામાં આવી છે. એ માટે સરકાર તરફથી પાલિકાએ રેલવેમાં ફંડ પણ જમા કરાવ્યું છે,પરંતુ તે બાદ ખુદ સત્તાધીશો જ ઊંઘી ગયા અને હવે રેલવેએ રસ્તો બંધ કરી દેતા નગરજનો મુશ્કેલીમાં મુકાયા છે.