વાપીઃ કોરોના સામે બચાવ માટે પ્રશાસન માસ્ક નહિ પહેરનારા, જાહેર રસ્તા પર થૂંકનારા પાસેથી દંડ વસૂલી રહ્યા છે. તેમજ લોકોને હેન્ડ સેનીટાઇઝરથી હાથ ધોવાની, મોઢે માસ્ક રાખવાની, હાથમાં હેન્ડગ્લોવ્ઝ પહેરવાની તાકીદ કરવામાં આવી રહી છે. ત્યારે, વાપીના ઔદ્યોગિક વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં સફાઈ કામદારો માટે કોન્ટ્રાક્ટર અને તંત્ર દ્વારા તદ્દન બેદરકારી સેવવામાં આવતી હોવાનું ફલિત થયું છે.
સફાઈ કામદારોમાં કોરોના અંગે જાગૃતિનો અભાવ કે કોન્ટ્રાક્ટરની બેદરકારી? હાથમોજાં, સેનેટાઇઝર વિના જ કરે છે સફાઈ
કોરોના મહામારી સામે સમગ્ર દેશમાં સફાઈ કર્મચારીઓ, તબીબી સ્ટાફ અને પોલીસ કર્મચારીઓ સાચા હીરો બનીને લડી રહ્યા છે. ત્યારે, આવા સમયે પોલીસ અને તબીબી સ્ટાફ માટે તો જરૂરી સુરક્ષાના સાધનો પુરા પાડવામાં આવ્યા છે. પરંતુ સફાઈ કર્મચારીઓ માટે આ બાબતે બેદરકારી સેવાઈ રહી હોય એવુ દેખાય રહ્યું છે અથવા તો ખુદ સફાઈ કામદારો યોગ્ય માર્ગદર્શનના અભાવે બેરદરકાર બની રહ્યા છે. વાપીના ઔદ્યોગિક વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં સફાઈ કામદારો હાથમોજાં પહેર્યા વિના, તો કેટલાક મોઢે માસ્ક બાંધ્યા વિના જ સફાઈ કામગીરી કરી રહ્યા છે.
શહેરમાં જાહેર માર્ગોની સફાઈ કરતા કર્મચારીઓમાં તમામ કર્મચારીઓ હાથમોજાં પહેર્યા વિના, તો કેટલાક મોઢે માસ્ક બાંધ્યા વિના જ સફાઈ કામગીરી કરી રહ્યા છે. જે તેમના અને અન્યના આરોગ્ય માટે જોખમકારક છે. આ અંગે સફાઈ કોન્ટ્રાક્ટરને પૂછતાં તેમણે કામદારોને મોજા, માસ્ક અને સેનીટાઇઝર આપ્યા છે. પરંતુ તેઓ ઉપયોગ નથી કરતા તેવુ જણાવ્યું હતું. જયારે કેટલાક કામદારોને પૂછતાં તેમણે આવી કોઈ ચીજવસ્તુઓ કોન્ટ્રાક્ટર તરફથી કે તંત્ર તરફથી આપી નથી તેવું જણાવ્યું હતું. ત્યારે દેશના ખૂણે ખૂણે કોરોના વાઇરસની સફાઈમાં સાચા હીરો તરીકે જેને બિરુદ આપવામાં આવી રહ્યું છે. તેને કોરોના સામે રક્ષણ મળે તે માટે જરૂરી ચીજવસ્તુઓ પુરી પાડવામાં આવે.