વાપીના ડુંગરા વિસ્તારમાંથી અપહરણ થયેલ 6 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો, દુષ્કર્મની આશંકા સાથે પોલીસે તપાસ હાથ ધરી વાપી: વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાંથી એક બાળકીનું અપહરણ કર્યા બાદ તેને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના પ્રકાશમાં આવતા અરેરાટી ફેલાઈ ગઈ છે. માત્ર 6 વર્ષની આ દીકરીની હત્યા કરી હત્યારો ફરાર થઇ ગયો છે. જેમાં દીકરી સાથે દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી હોવાની આશંકા સાથે વલસાડ પોલીસે બાળકીના મૃતદેહને સુરત ફોરેન્સિક PM માં મોકલી સઘન તપાસ હાથ ધરી છે.
મૃતદેહ પીંખાયેલી હાલતમાં:ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપીના ડુંગરા વિસ્તારમાંથી એક બાળકીનું અપહરણ થયું હતું. જેની ફરિયાદ બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. વલસાડ પોલીસે હેલોઝન લાઇટની સગવડ કરી મોડી રાત્રીએ ડુંગરી ફળિયા નજીક પસાર થતી એક ખાડી ની આસપાસ ઉગેલા ઝાડી ઝાંખરામાં તપાસ કરતા ત્યાંથી 6 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાળકીના મૃતદેહ પર કીડા-મકોડા ફરતા હતા. તેમજ મૃતદેહ પીંખાયેલી હાલતમાં હતો. બાળકી સાથે અઘટિત કૃત્ય કરી મોતને ઘાટ ઉતારી હોવાની આશંકા સેવી પોલીસે મૃતદેહને સુરત ફોરેન્સિક PM માટે મોકલ્યો છે. તેમજ હત્યારા આરોપીને ઝડપી લેવા 50 જેટલી ટીમ બનાવી તપાસ હાથ ધરી છે.
ચક્રો ગતિમાન: આ ચકચાર જગાવતી ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાએ મીડિયાને વિગતો આપી હતી કે, આ મૃતદેહ જે બાળકીનો છે તે એ જ બાળકી હોવાનું સાબિત થયું હતું. જે બાળકીનું અપહરણ થતા તેની ફરિયાદ આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. 6 વર્ષીય બાળકીનું એક ઇસમ અપહરણ કરી ગયો હતો. જે બાદ તાત્કાલિક જિલ્લામાં એલર્ટ આપી નાકાબંધી હાથ ધરી હતી. વલસાડ LCB, SOG સહિત જિલ્લા પોલીસની ટીમે ઘટના સ્થળની આજુબાજુના CCTV ફુટેઝ મેળવી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ તપાસ દરમ્યાન મોડી રાત્રીએ ડુંગરી ફળીયા નજીક કરવડ પાટિયા મોરા વિસ્તારમાં ખાડી કિનારે એક ખાલી પ્લોટની ઝાડી ઝાંખરામાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
ભીખ માંગી ગુજરાન:બાળકીનું અપહરણ કર્યા બાદ આધેડે કથિત દુષ્કર્મ આચરીને હત્યા કરી હોવાનું મનાય રહ્યું છે. પ્રાથમિક તપાસમાં આરોપીએ બાળકીએ પહેરેલી લેગીન્સથી તેનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. મૃતક બાળકીના પિતા બે મહિના અગાઉ બીમારીના કારણે દિલ્હી ખાતે મોતને ભેટ્યા હતા. જે બાદ તેની માતા પુત્રીને સાથે લઇ એક મહિના અગાઉ જ વાપી ખાતે મજૂરી કામ કરતા ભાઇ અને માતા-પિતા પાસે રહેવા આવી હતી. માતા પોતે પણ બીમાર હતી અને આસપાસના વિસ્તારમાં ભીખ માંગી ગુજરાન ચલાવતી હતી.
- Valsad Crime : એસીબીની સફળ ટ્રેપ, હેડ કોન્સ્ટેબલ-હોમગાર્ડ જવાન લાંચ લેતા ઝડપાયા
- Heavy Rain: વાપી-દમણના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે વરસ્યો વરસાદ