દમણના જામપોર બીચ પર પ્રવાસીઓના ધસારામાં બીચ પર કેટલીક અસુવિધાઓને લઈને પ્રવાસીઓએ પોતાનો બળાપો કાઢ્યો હતો. તો, કેટલાક પ્રવાસીઓએ અહીં જરૂરી પાયાગત સુવિધાઓ માટે પોતાના સૂચનો આપ્યા હતા. જેમાં બીચ પર સ્વચ્છતાના ઉડતા ધજાગરા અંગે મહેસાણાના પ્રવાસી હિમાંશુ પંચાલે જણાવ્યું હતું કે, એક તરફ દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવાય છે. ત્યારે, અહીં દમણના દરિયા કિનારે સ્વચ્છતાના લીરા ઉડી રહ્યાં છે. પ્રવાસીઓના ધસારાને કારણે બીચ પર ગંદકી ફેલાઈ રહી છે. લોકોએ પણ જ્યાં ત્યાં કચરો કે પ્લાસ્ટિક ફેકવું જોઈએ નહીં.
સુરતના ઘોલવડથી આવેલા અયુબ મોહમ્મદ પટેલે જણાવ્યું હતું કે, બીચ પર મહિલાઓ જ્યારે દરિયામાં ન્હાવા જાય છે. ત્યારે, ભીના કપડાં બદલવાની કોઈ સુવિધા નથી. મહિલાઓ માટે વોશરૂમ કે ટોયલેટની પણ સારી સગવડ નથી. તેમની સાથે આવેલી મહિલા પ્રવાસીએ પણ મહિલા માટે યોગ્ય સુવિધા ન હોવાનું જણાવી મહિલા સુરક્ષાને ધ્યાને રાખી આ સગવડ ઉભી કરવી જોઈએ. બની શકે તો તે માટે નજીવા દરે જો સ્થાનિક સ્ટોલ ધારકો જ આ સેવા ઉભી કરે તો, તેને પણ વધારાની રોજગારી મળી શકે છે. એ સિવાય પ્રસાશને તો ખાસ મહિલાઓ માટે સુવિધાઓ ઉભી કરવી જોઈએ તેવું જણાવ્યું હતું.