દશેરાના પાવન પર્વે દમણના રીંગણવાડા ખાતે દમણ પ્રશાસન દ્વારા તૈયાર કરાયેલા શ્રમયોગી નિવાસમાં દમણના ઉદ્યોગોમાં કામ કરતા અને ગંદી ચાલમાં રહેતા કામદારોને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેલા દમણના પ્રશાસક પ્રફુલ પટેલે તમામ 46 ફ્લેટના 230 ભાડુઆત કર્મચારીઓને રૂમની ચાવી આપી હતી.
દમણમાં 'સ્પર્શ યોજના' હેઠળ ઔદ્યોગિક કામદરોને ગૃહ પ્રવેશ કરાવાયો આ તકે પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે, દમણમાં અંદાજિત એક હજાર ચાલી છે. જેમાં મોટાભાગની ચાલીના માલિકો માત્ર પૈસા કમાવાનું જ વિચારે છે. ક્યારેય આ ભાડુઆત કર્મચારીઓ માટે વિચાર્યું નથી. મોટાભાગની ચાલીમાં કામદારો માટે ટોયલેટ, પીવાનું શુદ્ધ પાણી કે, સ્વચ્છ હવા ઉજાસ મળે તેવું ચાલી માલિકોએ ક્યારેય વિચાર્યું નથી.
ગંદી ચાલીમાં પણ 3 થી 4 હજાર ભાડું વસુલવામાં આવે છે. જેમાં 5-5ની શિફ્ટમાં અન્ય રાજ્યોના કર્મચારીઓ જીવન વિતાવવા મજબુર બન્યા છે. આ આવાસમાં કુલ 46 ફ્લેટ છે. જેમાં એક રૂમમાં કુલ પાંચ કામદારો માસિક 600 રૂપિયાના ભાડે રહી શકશે. આ 600 રૂપિયાના ભાડામાં પણ પ્રશાસને 50 ટકા સબસીડી આપી છે. ભાડુઆતને આ રૂમ માત્ર 300 રુપિયામાં ચૂકવવા પડશે. આ સાથે રૂમમાં પાંચ બેડ, કબાટ, ચીજવસ્તુઓ માટે લોકર, ગાદલા, રજાઈ, ચાદર, તકિયા, કાંસકો, સેવિંગ ક્રીમ જેવી જરૂરિયાતની વેલકમ કીટ પણ પુરી પાડવામાં આવી છે.
આ પણ વાંચો...'સ્પર્શ યોજના' હેઠળ દમણમાં ઔદ્યોગિક શ્રમિકોને 46 ફ્લેટમાં કરાવાશે ગૃહ પ્રવેશ
દમણ દીવના પ્રશાસક પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે, દશેરાના દિવસે લોકો રાવણનું દહન કરી અધર્મ પર ધર્મના વિજયનો ઉત્સવ મનાવે છે. પ્રશાસને ગંદકીરૂપી દોજખભરી જિંદગીને બદલે સ્વચ્છતા રુપી આવાસ આપી ગંદી ચાલીઓને બદલે સુવિધાયુક્ત આવાસ આપી, ગંદકી પર સ્વચ્છતાનો વિજય મેળવ્યો છે.
આ અંગે ડેપ્યુટી કલેકટર અને ડેપ્યુટી લેબર કમિશ્નર ચાર્મી પારેખે જણાવ્યું હતું કે, પ્રશાસનનો હંમેશાએ પ્રયાસ રહ્યો છે કે, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં કામ કરતાં કામદારોનું આરોગ્ય, જીવનશૈલીને સારી બનાવી સંપૂર્ણ સુવિધાયુક્ત આવાસ ઉપલબ્ધ કરાવાય. જે માટે OIDC અને શ્રમ વિભાગ દ્વારા સ્પર્શ યોજના હેઠળ આ શ્રમયોગી નિવાસ બનાવવામાં આવ્યું છે. જેમાં બેડરૂમ, શૌચાલય અને રસોઈ ઘર બનાવવામાં આવ્યા છે. તમામ ફ્લેટ હવા-ઉજાસવાળા, પાણી, વીજળીના કનેકશન સાથે આપવામાં આવ્યા છે. કામદારો માટે ગેસ કનેક્શન, ગરમ પાણી માટે સોલાર પેનલ, એટ્ટેચ ટોયલેટ, કોમન કિચન, ડાઇનિંગ હોલ, રમવા માટે પ્લેગ્રાઉન્ડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. જેમાં દશેરાના પર્વે તમામ 230 કામદાર ભાડુઆતને ગૃહપ્રવેશ કરાવ્યો હતો.
શ્રમયોગી આવાસમાં રહેવાની સગવડ મેળવનાર રાહુલ સિંઘ નામના કામદારે જણાવ્યું હતું કે, ખુબજ સારી સુવિધા છે. પહેલા જ્યાં રહેતા હતાં ત્યાં સુવિધા ઓછી હતી. અહીં અમને સુવિધાયુક્ત રૂમ મળ્યા છે. હાલમાં તો તેના ખર્ચ શાસન ઉઠાવશે. પરંતુ, અમે પણ કોશિશ કરીશું કે, આ આવાસ કાયમી ગંદકી રહીત સ્વચ્છ રહે.