વાપીના ડુંગરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ માતા-પિતા અને એક બહેન સાથે રહેતી 21 વર્ષીય યુવતી થોડા વર્ષથી ઘર છોડીને મામા પાસે આવી ગઇ હતી. જેને તેનો પિતા લેવા આવ્યો હતો. ત્યારે યુવતીએ તેની સાથે જવાની ના પાડી દેતા આ અંગે તેમને કારણ પૂછવામાં આવતા દીકરીએ જણાવ્યું હતું કે, તે 8 વર્ષની હતી ત્યારથી પિતા તેની સાથે ખોટું કામ કરી રહ્યો છે. આ માટે તેમના પર અને તેમની માતા પર જબરજસ્તી કરી મારપીટ કરતો હતો. જે સાંભળી આસપાસના રહીશોની મદદથી દિકરીને પોલીસ મથકે લાવી પોલીસ ફરિયાદ કરાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
તો અન્ય એક કિસ્સામાં દમણમાં રહેતા મધ્યપ્રદેશના પરિવારની 15 વર્ષીય સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ દમણ પોલીસમાં નોંધાયા બાદ દમણ પોલીસે સગીરાને મુંબઇના નાગપાડાથી દમણ લાવી પૂછપરછ કરતા સગીરાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, પોતે સાવકા પિતાના વારંવારના દુષ્કર્મથી ત્રાસીને ઘર છોડીને નાસી ગઇ હતી. સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવતા તેને 3 માસનો ગર્ભ રહી ગયો હોવાનું બહાર આવતા પોલીસે નરાધમ પિતા પરશોરામ આદિવાસી સામે ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.