દમણ : મંગળવાર સાંજે સાંજપારડીમાં રહેતા હરેશભાઇ જીવનની વાડીમાં બાંધેલા બે વાછરડાઓ પર કોઈ શિકારી પશુએ હુમલો કર્યો હતો. જેમાં એક વાછરડાને અર્ધું ખાધા બાદ જંગલી પ્રાણીએ બીજા વાછરડાના પણ પગ ખાઈ ગયું હતું, સાંજે જ્યારે માલિક વાડીમાં ગયા ત્યારે તેમને જોયું કે, ગાય અને વાછરડાને કોઈ જંગલી જનાવરે મારી નાખ્યું છે.
4 દિવસનો ઘટનાક્રમ
- સોમવાર- વાડીમાં બાંધેલા બે વાછરડામાંથી એક પર શિકારી પશુએ હુમલો કર્યો
- મંગળવાર- બીજા વાછરડાનું મારણ કર્યું
- બુધવાર- કન્ઝર્વેશનટિવ ઓફિસર પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા
- શિકારી પશુના પંજાના નિશાનના ફોટા લીધા
- આ પ્રાણીને પકડવા માટે પાંજરું ગોઠવ્યું
શિકારી પ્રાણીએ 2 પશુઓનું મારણ કરતા ભયનો માહોલ
મંગળવારે ફરીથી વાડીમાં જંગલી પ્રાણી ત્રાટક્યું હતું. જે વાછરડાના પગ ખાધા હતા, તેની ગરદન અને શરીરનો બાકીનો ભાગ પણ ખાઈ ગયો હતો. જે બાદ બુધવારની સવારે જ્યારે વાડી માલિક ફરી વાડીમાં પ્રવેશ્યો ત્યારે બંને મૃત વાછરડાના અવષેશો જોઈને વાડી માલિકે તાત્કાલિક વન વિભાગને જાણ કરતા વન વિભાગના ડેપ્યુટી કન્ઝર્વેશનટિવ ઓફિસર રાજ તિલક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે બાદ શિકારી પશુના પંજાના નિશાનના ફોટા લઈને તપાસ આદરી હતી. તેમજ આ જંગલી પ્રાણી ખરેખર દીપડો જ છે કે, કોઈ અન્ય તે જાણવા તેને પકડવા માટે પાંજરું પણ ગોઠવી દીધું હતું. જેમાં બકરીને મારણ તરીકે મૂકવામાં આવી છે.
ચાર દિવસ પહેલા ભેંસરોલ નજીક કોસ્ટલ રોડ સ્થિત વાડીમાં પણ મોડી રાત્રે દીપડો આવ્યો હોવાના ચિહ્નો જોવા મળ્યા હતા. દમણના ઇતિહાસમાં પ્રથમ વખત દીપડો જોવા મળતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પારડી અને દરિયા કાંઠા વિસ્તારના ગામોમાંથી દીપડો ખોરાકની શોધમાં દમણ વિસ્તારમાં પહોંચ્યો હોવાનું હાલ પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.