દમણમાં પ્રવાસન ઉદ્યોગ, હોટેલ બિઝનેસ ઠપ્પ, 'કોરોનાને ખતમ કરીશું પછી જોઇશું'
દમણમાં દર વર્ષે ઉનાળાના વેકેશનમાં લાખો પ્રવાસીઓ આવે છે. જેના થકી હોટેલ માલિકોને સારી કમાણી થતી હોય છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે લોકડાઉન જાહેર થતાં દમણની હોટેલો અને દરિયા કિનારો પ્રવાસીઓ વિના સુના બન્યા છે. હોટેલ માલિકોનું કહેવું છે કે, કોરોનાને પહેલા ખતમ કરીશું પછી જોઈશું.
દમણ: વૈશ્વિક કોરોના મહામારીની અસર હવે બીજા તબક્કાના 19 દિવસનાં લોકડાઉનમાં હોટલ અને બાર ઉદ્યોગના ગઢ ગણાતા દમણમાં વર્તાવાની શરૂ થઈ ગઈ છે. દમણના દેવકા મરવડ, જમ્પોર સિ-ફેસ જેવા વિસ્તારોમાં આવેલી હોટલોના દરવાજા પર "Hotel closed due to COVID-19" ના બોર્ડ લાગી ગયા છે. તેમજ મુખ્ય દરવાજા બંધ છે. એક સમયે હજારો સહેલાણીઓથી ઉભરાતો દરિયા કિનારો સુમસામ છે. એડવેન્ચર રાઈડના માલિકોએ સ્પીડ બોટ સહિતના વાહનો કાંઠે કપડાં ઢાંકી મૂકી દીધા છે. દરિયામાં બોટ ખાલીખમ હાલક ડોલક થઈ રહી છે.