દમણમાં પ્રશાસન દ્વારા વિકાસના નામે મોટી દમણ લાઈટ હાઉસથી જામપોર બીચ પર દરિયા કિનારે વર્ષોથી ગેરકાયદેસર પોતાનું ઘર બનાવી રહેતા ગરીબ પરિવારોના ઘર પર બુલડોઝર ફેરવી ઘર વિહોણા કરી મુક્યા હતાં. આ મામલે લોકોમાં ભારોભાર આક્રોશ વ્યાપ્યો હતો અને શનિવારે તમામ અસરગ્રસ્તોએ નાની દમણ અને મોટી દમણને જોડતા રાજીવ ગાંધી સેતુ માર્ગ પર બેસી જઇ ચક્કાજામ કર્યો હતો.
દમણમાં ઘર વિહોણા લોકોએ રાજીવગાંધી સેતુમાર્ગ પર કર્યો ચક્કાજામ - daman news updates
દમણ : શુક્રવારે પ્રશાસને 130 જેટલા ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ફેરવી તમામને ઘરવિહોણા કરી મુક્યા હતાં. જે અંગે શનિવારે તમામ અસરગ્રસ્તોએ નાની દમણ-મોટી દમણને જોડતો રાજીવ ગાંધી સેતુ માર્ગ પર ચક્કાજામ કરી દેતા પ્રશાસનના અધિકારીઓ દોડતા થયા હતાં. અસ્તગ્રસ્તોએ સાંસદ લાલુભાઈ પટેલને સ્થળ પર આવી તમામને આપેલ વચન પાળવા અને જ્યાંથી તેમને ઘર વિહોણા કર્યા છે, ત્યાં જ રહેવા દેવાની માગ કરી હતી.
![દમણમાં ઘર વિહોણા લોકોએ રાજીવગાંધી સેતુમાર્ગ પર કર્યો ચક્કાજામ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4943593-thumbnail-3x2-daman.jpg)
અસરગ્રસ્તોએ માર્ગને ચક્કાજામ કરતા પ્રશાસનિક અધિકારીઓ, પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તમામને સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ, એકપણ અસરગ્રસ્ત ટસનો મસ થયો ન હતો. અસરગ્રસ્તોએ એક જ માગ કરી હતી કે, સાસંદ લાલુભાઈ પટેલે તેમને આશ્વાસન આપ્યું હતું કે, તેમના મકાન નહીં તૂટે, હવે તે પોતે આવીને આ અંગે ખુલાસો કરે અને અમે જ્યાં રહેતા હતાં, ત્યાં જ અમને રહેવાની પરવાનગી આપે.
આખરે અસરગ્રસ્તોનો આક્રોશ વધતા ડેપ્યુટી કલેકટર ચાર્મી પારેખે અને સાંસદની પત્ની તરુણા બેન પટેલે સ્થળ પર આવી તમામને સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ, તેમનું પણ અસરગ્રસ્તોએ માન્યું ન હતું. અને બપોરના સાડા ત્રણ વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી માર્ગ પર બેસી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. તેમ છતાં સાંસદ લાલુભાઈ પટેલ તેમને સમજાવવા આવ્યા ન હતાં. ત્યારે, હવે કદાચ આ મામલો રવિવારે વધુ ઉગ્ર બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.