વાપીમાં શુક્રવાર થી શનિવાર સુધીમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. દાદરા નગર હવેલીના સેલવાસમાં 24 કલાકમાં 195 મિમિ વરસાદ નોંધાયો છે. ખાનવેલમાં 146 મિમિ વરસાદ નોંધાયો છે.
મોટાભાગના મુખ્ય માર્ગો અને સોસાયટીમાં ઘૂંટણ સુધીના પાણી ભરાતા જનજીવન ઠપ્પ થયું હતું. વરસાદી પાણીના કારણે કેટલાક વિસ્તારમાં ઘર-દુકાનમાં પાણી ભરાયા હતા. ગુંજન વિસ્તારમાં સૂર્યા સોસાયટી અને રાજમોતી સોસાયટીમાં મુખ્ય માર્ગ પણ પાણી ભરાતા પારડીના ધારાસભ્ય કનુભાઈ પટેલની કાર આગળ જઇ ન શકતા સલામત રસ્તે પરત ફરી હતી. જો કે, એકંદરે મેઘરાજાના આ રૌદ્ર સ્વરૂપે વાપી વાસીઓને સૌમ્ય સ્વરૂપના પણ દર્શન કરાવ્યા હતા. કેમ કે, ક્યાંય કોઈ મોટી જાનહાની થઈ નહોતી અને સાંજ સુધીમાં મોટાભાગના વિસ્તારમાંથી પાણી ઉતરી ગયા હતાં. જ્યારે, વાપી નજીક બગવાડા ગામ ખાતે બગવાડા સારણ માર્ગ પર એક કાર વરસાદી પાણીમાં તણાઈ હતી. કારમાં કોઈ સવાર ન હોવાથી જાનહાની ટળી હતી. ઉંમરગામ તાલુકામાં પણ ઠેરઠેર માર્ગો તેમજ અમુક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
વાપીમાં બારે મેઘ ખાંગા, મધુબન ડેમના 10 ગેટ 4 મીટર ખોલી દેવાયા - madhuban dam
વાપી: છેલ્લા 36 કલાકમાં મેઘરાજાએ વાપી પર કોઈપણ મોટી હોનારત વિના 16 ઇંચ આકાશી પાણી વરસાવ્યું છે. અનરાધાર વરસાદથી વાપી અને તેની આસપાસનો વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. જો કે, સાંજે વરસાદી જોર ઘટતા લોકોએ રાહતના શ્વાસ લીધા હતા. વાપીમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાંથી 1, 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. મધુબન ડેમના 10 દરવાજા 4 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે. મધુબન ડેમ દમણગંગા બેઝિનમાં 3 કલાકમાં 206 મિમિ વરસાદ નોંધાયો છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
સંઘપ્રદેશ દમણમાં દરિયા કિનારાના વિસ્તારમાં વરસાદી પાણી અને દરિયાની ભરતીને કારણે નીચાણવાળા વિસ્તારમાં ગોઠણ સુધીના પાણી ભરાયા હતા. જેમાં કોઈ મોટી જાનહાની ના થાય તે માટે દમણ નગરપાલિકાના ચીફ ઓફિસર, સભ્યોએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ બચાવ ટીમને ખડેપગે રાખી છે.
દમણગંગા વિયર પર પાણીના રૌદ્ર સ્વરૂપને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. નદીના ધસમસતા પ્રવાહને મનભરીને માણતા જોવા મળ્યા હતાં. તો, આ સમયે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે વાપી GIDC નોટિફાઇડ એરિયા ઓથોરીટીએ પોતાની એક રેસ્ક્યુ ટીમ અને ફાયરને નદી કિનારે તૈનાત કરી હતી. વાપી સિવાય ઉંમરગામમાં આ સમયગાળા દરમિયાન કુલ 6 ઇંચ, કપરાડામાં 16 ઇંચ, ધરમપુરમાં 12 ઇંચ, પારડીમાં 13 ઇંચ અને વલસાડમાં 10 ઇંચ વરસાદ વરસ્યો હતો.