ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ પોલીસે 8.19 કરોડના દારૂ પર ચલાવ્યું બુલડોઝર, જુઓ વીડિયો - daman

વલસાડઃ જિલ્લાના ઉમરગામ તાલુકાના તલવાડા ગામે ખુલ્લી જગ્યામાં વલસાડ પોલીસે 8,19,17,510 રૂપિયાના દારૂ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. વલસાડ પોલીસે વર્ષ 2017-18 અને 2019 દરમિયાન દમણ, મહારાષ્ટ્ર અને સેલવાસમાંથી ગુજરાતમાં બેટલેગરો દ્વારા લાવવામાં આવતા જથ્થાને ઝડપી પડ્યા બાદ બુધવારે તેનો નાશ કર્યો હતો.

વલસાડ

By

Published : Jun 13, 2019, 7:48 PM IST

બુધવારે વહેલી સવારથી સાંજ સુધી ભિલાડ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ તલવાડા ગામનો સીમાડો દારૂની વાસથી ગંધાયો હતો. બુધવારે વલસાડ જિલ્લા પોલીસે વલસાડના વાપી ટાઉન, વાપી GIDC, ડુંગરા પોલીસ સ્ટેશન, પારડી પોલીસ સ્ટેશન અને ભિલાડ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2017-18 અને 19 દરમિયાન દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં બુટલેગરો દ્વારા લાવતા દારૂના જથ્થાને ઝડપ્યા બાદ તે તમામ જથ્થા પર બુલડોઝર ફેરવી દીધું હતું.

વલસાડ પોલીસે વાપી dysp વિરભદ્ર સિંહ જાડેજાના નેતૃત્વમાં આ કામગીરી હાથ ધરી હતી. જેમાં વાપી ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર અલ્પેશ ગાબાણી સહિત PSI, કોન્સ્ટેબલ સહિતના પોલીસ સ્ટાફની હાજરીમાં જે-તે પોલીસ સ્ટેશનથી ટ્રકમાં દારૂનો જથ્થો મંગાવી તેને તલવાડા ખાતે લાવવામાં આવ્યો હતો. જે બાદ તમામ દારૂની અને બિયરની બોટલોને લાઈનબંધ ગોઠવી તેના પર બુલડોઝર ફેરવી તમામ માલનો નાશ કરાયો હતો.

વલસાડના 5 પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલ 8,19,17,510 રૂપિયાના દારૂનો કરાયો નાશ

દારૂના નાશ અંગે પોલીસે આપેલી વિગતો મુજબ કુલ 8,81,062 બોટલ કે જેની કિંમત 8,19,17,510 રૂપિયા ગણવામાં આવી હતી તે તમામ દારૂનો નાશ કરાયો હતો. જેમાં સૌથી વધુ દમણિયો દારૂ હતો. જેને આ પાંચેય પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ 2017-18-19 દરમિયાન બુટલેગરો પાસેથી એકત્ર કરવામાં આવ્યો હતો.

હાલમાં જ રાજ્ય સરકારે દારૂના અડ્ડાઓ પર રેડ કરવાની પોલીસ વિભાગને સૂચના આપ્યા બાદ પોલીસે ઠેરઠેર દારૂના અડ્ડાઓ પર રેડ કરવાનું શરૂ કર્યું છે. ત્યારે વલસાડ જિલ્લાના આ મહત્વના પોલીસ મથકોમાં વર્ષે દહાડે કરોડો રૂપિયાનો દારૂ પકડી પાડવામાં આવે છે તેમજ ત્યારબાદ તેના પર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details