ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ દમણના દરિયા કાંઠે પવન અને વરસાદી માહોલ વચ્ચે 'વાયુ' ની અસર - Etv Bharat

વલસાડ: વાવાઝોડા વાયુના પગલે વલસાડ જિલ્લા તંત્રએ દરિયાકાંઠા વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે પોલીસ જવાનો અને NDRFની ટીમ તૈનાત કરી છે. લોકોને દરિયાથી દૂર રહેવા સૂચના આપી છે. એ જ રીતે દમણ દરિયા કિનારે પણ પ્રશાસને લોકોને અને પ્રવાસીઓને સાવચેત રહેવા સૂચના આપવાની સાથે 4 જેટલી ટીમ તૈનાત કરી છે.

વલસાડ

By

Published : Jun 12, 2019, 8:16 PM IST

વાયુ વાવાઝોડાને પગલે બપોર બાદ પવનની ગતિ વધી રહી છે. ત્યારે દરિયામાં માછીમારી કરતા માછીમારોને પ્રશાસન દ્વારા પરત બોલાવી લેવામાં આવ્યા છે. વલસાડ જિલ્લાના તિથલ ઉમરસાડી સહિત ઉમરગામના નારગોલ, ફણસા અને ઉમરગામના દરિયાકાંઠા વિસ્તારમાં પણ માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે એ સાથે જ ઉમરગામ પટ્ટાના ફણસા નારગોલ અને ઉમરગામ દરિયાકાંઠા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

વલસાડ દમણના દરિયા કાંઠે પવન અને વરસાદી માહોલ વચ્ચે 'વાયુ' ની અસર

દરિયાકાંઠાના રહેવાસીઓ દ્વારા વાયુ વાવાઝોડાથી બચવા માટેની તમામ તૈયારીઓ પણ કરવામાં આવી છે. ઉમરગામ વિસ્તારના ફણસા ખાતે 25 જેટલી બોટો દરિયામાં ગઈ હતી જે તમામ બોટોને પરત બોલાવી લેવામાં આવી છે

તો એ જ રીતે દમણ પ્રશાસન દ્વારા પણ દમણના જામપોર બીચથી લઈને કડેયા દેવકાબીચ સુધીના દરિયાઇ પટ્ટી વિસ્તારમાં ચાર જેટલી ટીમને તૈનાત કરી છે. કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરાયા છે અને પ્રવાસીઓ તેમજ કાંઠા વિસ્તારના લોકોને દરિયાથી દૂર રહેવા સુચના અપાઇ રહી છે. દમણના મામલતદારના જણાવ્યા મુજબ, દમણમાં હાલ તમામ બીચ પર લોકોની આવનજાવન બંધ કરાય છે અને તંત્ર સંપૂર્ણ સજ્જ બની દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડાથી કોઇ મોટી જાનહાની ન થાય તે અંગે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે તૈનાત કરાઈ છે.

વલસાડ જિલ્લામાં પણ ઉમરગામના ફણસા સહિત સંપૂર્ણ દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. બપોરના ત્રણ વાગ્યા બાદ દરિયાકાંઠા વિસ્તારમાં પવનનું જોર વધ્યું હતું અને ફણસા સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડવાના શરૂ થતાં રસ્તાઓ ભીના થયા હતા. આકાશમાં કાળાડિબાંગ વાદળો વચ્ચે પવનની ગતિ તેજ થતાં લોકો પણ દરિયાકાંઠો છોડી પોતાના સુરક્ષિત આવાસોમાં આવી ગયા છે.

ABOUT THE AUTHOR

...view details