દમણના રીગણવાડા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં OIDC પાછળ આવેલી પ્રિન્ટ પેક નામની કંપનીમાં વિકરાળ આગ ભભૂકી હતી. શરૂઆતમાં એક જ ભાગમાં લાગેલી આગ કંપનીના બીજા ભાગોમાં પણ પ્રસરી હતી. આગને પગલે વાપી દમણ અને સરીગામ આસપાસના કુલ 6 ફાયર ફાઇટર બોલાવવામાં આવ્યા હતાં. આ સાથે જ કંપનીમાં મુકેલો બાકીનો સમાન વધુ બળે તે પહેલા સંચાલકો દ્વારા અંદરનો કિંમતી સામાન બહાર કાઢવાનું કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે કંપનીનો કરોડોનો માલ સમાન બળીને ખાખ થયો હતો.
દમણની પ્લાસ્ટિક મટીરીયલ બનાવતી કંપનીમાં ભીષણ આગ ઘટનાની જાણ થતા દમણ ડેપ્યુટી કલેકટર ચાર્મી પારેખ, મામલતદાર એસ.એસ ઠક્કર સહિતના અધિકારીઓ કંપનીના સ્થળે પહોંચી ગયા હતાં. મળતી માહિતી મુજબ ચારથી પાંચ કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમ આગ પર કાબુ મેળવી શકી હતી. ભયંકર રીતે લાગેલી આ આગમાં કંપનીની મોટાભાગની મશીનરી અને માલ સમાન બળીને ખાક થઇ જતા કંપનીને કરોડોનું નુકસાન થયાની આશંકા વર્તાઈ રહી છે.
જ્યારે, આગના પ્રાથમિક તારણ અંગે ફાયર વિભાગના ડેપ્યુટી ડાયરેકટર અમરતલાલ વાળાએ જણાવ્યું હતું કે, આગ ખુબ વધુ પ્રમાણમાં પ્રસરી હોવાના કારણે કંપનીની અંદરના ભાગમાં જઇ શકાયું ન હતું. બહારથી જ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતાં. જ્યારે, ફાયર વિભાગ દ્વારા હાલમાં જ દમણના તમામ ઉદ્યોગોમાં ફાયર સેફટી અંગે પરિપત્ર સુપ્રત કરવામાં આવ્યો છે. આ કંપનીમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી કે કેમ અને ફાયર સેફટીના સાધનો કેટલા હતાં? કઈ રીતે આગ લાગી તે તમામ કારણો તપાસવામાં આવશે. મોટાભાગે જો ઉદ્યોગોમાં ફાયર અંગે બેદરકારી દાખવવામાં આવે તો તેવી કંપનીને ફાયર વિભાગ શો-કોઝ નોટિસ આપતું હોય છે.
ઉલ્લેખનીય છે કે, કંપનીમાં આગની ઘટના બની ત્યારે કંપનીમાં કામ કરતા તમામ કામદારોને કંપનીની બહાર મોકલી દેવામાં આવ્યાં હતાં. જેથી જાનહાની ટળી હતી. પરંતુ,આગની ઘટનાએ આસપાસની કંપનીઓમાં કામ કરતા કામદારોમાં, સંચાલકોમાં પણ ગભરાટનું વાતાવરણ ઉભું કરતા મોટી સંખ્યામાં લોકો કંપની આસપાસ એકઠા થયા હતાં.