આ વારલી ચિત્રોને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ઘોડબારી-દૂધની ગામના વિનુ કાલુ ભાવર નાનપણથી જ પસંદ કરતા હતાં. ધીરે-ધીરે નિપુણતા હાંસલ કરી હવે પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહ્યાં છે. આ વારલી ચિત્રો દિલ્હી-મુંબઈમાં એટલા પ્રખ્યાત બન્યા છે કે, આ ચિત્રો માટે દોઢ લાખ સુધીના ઓર્ડર મળે છે. આ વારલી ચિત્રોના આર્ટ એક્ઝિબિશન પણ યોજાય છે, જ્યાં વારલી પેઇન્ટિંગ્સથી તૈયાર થયેલી વિવિધ ચીજવસ્તુઓનું વેંચાણ થાય છે. ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં આવતા હજારો પ્રવાસીઓ વારલી પેઇન્ટિંગ્સની ખરીદી કરે છે.
દાદરા નગર હવેલીના આદિવાસી યુવકે વારલી પેઇન્ટિંગ્સમાં વગાડ્યો ડંકો
દાદરા નગર હવેલીઃ સહ્યાદ્રી પર્વતમાળાથી દાદરા નગર હવેલીના અરબી સમુદ્રના પટ્ટામાં વસતા વારલી આદિવાસીઓ પોતાની આદિવાસી પરંપરાને આજે પણ વળગી રહ્યાં છે. આદિવાસીઓએ પોતાની સંસ્કૃતિ, રીત-રિવાજોને રોજગારીમાં પરિવર્તિત કર્યા છે. આવી એક વારલી નામની પેઇન્ટિંગ્સ રોજગારીનું માધ્યમ બન્યું છે. જેમાં પ્રકૃતિ પ્રત્યેની શ્રદ્ધા અને માનવ જીવનના બદલાવો દીવાલો પર પ્રદર્શિત કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, વારલી પેઇન્ટિંગ્સ મુખ્યત્વે ભૌમિતિક રેખાઓ પર આધારિત છે. જેમાં રેખા, ત્રિકોણ, ચોરસ અને વર્તુળ જેવા આકાર જોવા મળે છે. આ ચિત્રોમાં એક અલગ ભાત ઉપસાવી માનવ જીવનના ભાવ વ્યક્ત કરતું સુંદર ચિત્ર નિર્માણ કરવામાં આવે છે. જેમાં ઘર, જંગલ, સામાજિક જીવનમાં આવતા તહેવારોનું વર્ણન કરવામાં આવે છે. દિવસેને દિવસે હવે આ વારલી પેઇન્ટિંગ્સને ભરપૂર પ્રોત્સાહન મળી રહ્યું છે. જેના થકી અંતરિયાળ ગામડામાં વસતા કેટલાય વારલી કલાકારોને રોજગારી મળી રહી છે. આમ, વિશ્વ સ્તરે વારલી સમાજનું ગૌરવ વધી રહ્યું છે.