સેલવાસ વિનોબા ભાવે હોસ્પિટલને મળી ચક્ષુ બેન્કની મંજૂરી
સેલવાસ: સંઘપ્રદેશ સેલવાસમાં આવેલ વિનોબા ભાવે હોસ્પિટલને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરવાની મંજૂરી આપી છે. હવે, અંગ દાતાઓ દ્વારા દાન કરેલી આંખો જરૂરીયાતમંદ અંધ વ્યક્તિઓમાં પ્રત્યારોપણ કરી તેને દ્રષ્ટિ આપવાનું સંભવ બનશે.
ભારતમાં એક અંદાજ મુજબ કોર્નિયલ બ્લાઈન્ડનેસવાળા 4.6 મિલિયન લોકો છે. જેમનો કોર્નિયલ પ્રત્યારોપણ દ્વારા ઈલાજ સંભવ છે. કોર્નિયલ પ્રત્યારોપણ 90 ટકાથી વધુ લોકોમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. જેનાથી કોર્નિયલ અંધાપાવાળા વ્યક્તિઓ ફરીથી દ્રષ્ટિ મેળવી શક્યા છે. ધૂંધળા કોર્નિયા સાથે જન્મ લેવાવાળા બાળકોમાં પણ કોર્નિયાનું પ્રત્યારોપણ કરીને તેમના જીવનમાં મોટો બદલાવ લઇ આવી શકાય છે. અત્યાર સુધીમાં દાદરા નગર હવેલીમાં અંગ પ્રત્યારોપણની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે કોર્નિયલ પ્રત્યારોપણ અને અંગ પ્રત્યારોપણ માટે પડોશી રાજ્ય ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં લોકોએ જવું પડતું હતું. જ્યાં તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હતો. પરંતુ, હવે આ પ્રત્યારોપણની મંજૂરી મળી જતા સંઘપ્રદેશમાં કોર્નિયલ પ્રત્યારોપણ સંભવ બની શકશે.