દમણ: દરિયા કિનારાનો આ 15 સેકન્ડનો વીડિયો લોકોને ખૂબ હસાવી રહ્યો છે. કારણ પણ હસવા જેવું છે. કેમકે મોટા ભાગે લોકોનું ટોળું જોઈ કુતરાઓ ભસે છે, પરંતુ આ વીડિયોમાં કૂતરાઓ ભસતા ભસતા લોકોની પાછળ દોડે છે અને લોકો ઉભી પૂછડીયે દોડે છે.
લો બોલો! લોકડાઉન અને સોસિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા દમણના દરિયા કિનારે કૂતરા માણસો પાછળ દોડે છે. આ વીડિયો મોટી દમણ બીચ વિસ્તારનો છે. સામાન્ય દિવસોમાં અહીં હજારો પ્રવાસીઓ દરિયાના પાણીમાં મોજ માણતા જોવા મળતા હતાં. કેટલાય પ્રવાસીઓ દરિયામાં એડવેન્ચર રાઈડનો અનુભવ કરતા જોવા મળતા હતાં, પરંતુ હાલમાં કોરોના મહામારી અને લોકડાઉનના દિવસોમાં અહીં કાગડા નહિ પણ કૂતરા દોડે છે.
આ દરિયા કાંઠા પર લોકડાઉન લાગુ થયા બાદ પણ કેટલાક યુવાનો ફરવા આવી રહ્યાં છે. એક પોલીસની ટીમ અહીં સતત પેટ્રોલિંગ કરતી રહે છે.ને એમ્બ્યુલન્સ પણ સાવચેતીના ભાગરૂપે તૈનાત કરવામાં આવી છે, પરંતુ જાણે તેઓની ફરજમાં હમદર્દ બનવા માંગતા હોય અને લોકોને સોશ્યલ ડિસ્ટન્સ અને લોકડાઉનનું પાલન કરવામાં મદદરૂપ થવા મંગતા હોય તેમ લાઈટ હાઉસ પાસે કોઇપણ વ્યક્તિ આવે એટલે કૂતરાઓનું ઝુન્ડ તેમની પાછળ દોડે છે.
ફરવા આવેલા લોકો ઉભી પૂછડીયે ભાગે છે. જો કે આ કૂતરાઓ ખાલી ભસીને લોકોને ભગાડે જ છે કે, બચકા પણ ભર્યા છે તે અંગે વિગતો મળી નથી, પરંતુ એક વાત ચોક્કસ છે કે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા દમણના દરિયા કિનારે પોલીસ સાથે કૂતરાઓ પણ માણસો પાછળ દોડે છે.