ઉત્તરપ્રદેશનાં વારાણસીના બે યુવકો શ્રવણ કુમાર અને સુરજ પટેલ સોમનાથ વિસ્તારમાં પુંઠા બનાવતી આશિત પેકેજીંગ નામની કંપનીમાં કોન્ટ્રાકટ બેજ પર કામ કરતા હતા. આ કંપનીમાં અંદાજિત 50 જેટલા કામદારો નોકરી કરે છે. જેમાંથી શ્રવણ અને સુરજ સહીત ચાર કામદારોને ડેન્ગ્યુ થયો હતો. આ ચારમાંથી એક કામદારને વધુ સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યો છે. જયારે બીજાએ આઠ દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈને કંપની છોડી મૂકી હતી. તો, શ્રવણ અને સુરજ પહેલા દમણની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં ડોકટરોએ તેમના નિદાનમાં ડેન્ગ્યુ હોવાનું જણાવ્યું હતું. બંને યુવકો ગરીબ હોય લાંબી સારવારનો ખર્ચ નહિ ઉઠાવી શકે એમ કહીને હોસ્પિટલના ડોક્ટરોએ તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ થવા જણાવ્યું હતું. જેથી બંને યુવકો દમણની મરવડ સરકારી હોસ્પિટલમાં દાખલ થઇ ગયા હતા.
દમણમાં ડેંગ્યુએ બે કર્મચારીઓનો લીધો ભોગ પણ બંનેને ડેન્ગ્યુની અસર લાસ્ટ સ્ટેજ સુધી પંહોચી ગયી હતી. એટલે ડોક્ટરોએ પણ હાથ ઊંચા કરી દીધા હતા. વળી બંને યુવકો પરપ્રાંતીય હોય એટલે હોસ્પિટલમાં પણ તેમની સાથે માત્ર તેના હમ ઉંમર મિત્રો જ આવ્યા હતા. જેઓને કોઈ વધારે ગતાગમ ન હોવાથી તેમણે ડોકટરોની વાતમાં જ હા માં હા મિલાવવી પડી હતી. અંતે લાચાર બનેલા મિત્રોની સામે જ બે દિવસની સારવાર બાદ આજે બંને યુવકોના મોત નિપજ્યા હતાં.
યુવકોના સંબંધીઓના જણાવ્યા પ્રમાણે તેઓ ડાભેલની જે રૂમમાં રહેતા હતા. ત્યાં, મચ્છરોનો કોઈ વધારે ઉપદ્રવ નહોતો, પણ તેઓ જે કંપનીમાં કામ કરી રહ્યા છે તેમાં ડેન્ગ્યુના મચ્છરોનો સૌથી વધુ ઉપદ્રવ હોવાથી તેના કારણે જ બંને કર્મચારીઓને ડેન્ગ્યુ થયો હોવાની આશંકા તેમણે જતાવી હતી.
મૃત્યુ પામનાર બંને યુવાનો પહેલા પણ કહી ચુક્યા હતા કે કંપનીમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ છે, અને ડેન્ગ્યુ કે મલેરિયા જેવો તાવ થાય તે પહેલા તેઓ કંપની છોડવા માંગે છે, પણ કંપનીના કોન્ટ્રાકટરે તેમનો પગાર રોકી રાખતા તેમણે મજબુરીમાં નોકરી ચાલુ રાખવી પડી હતી. અને છેલ્લે એ જ થયું જેની તેમને ડર હતો.
માત્ર બે દિવસમાં બંને યુવાનોના કરુણ મોત થયા હતા. બંને કર્મચારીઓની સારવારથી લઈને મોત સુધી કંપનીનો એક પણ અધિકારી તેમની ખબર લેવા પણ આવ્યો નહોતો, જે રીતસરના કંપનીની લાપરવાહી તરફ ઈશારો કરી રહી છે.
જયારે સમગ્ર મામલાની હકીકત જાણવા આરોગ્ય વિભાગના અધિકારીઓ કંપનીમાં દોડી આવ્યા. ત્યારે, કંપની ડિરેક્ટર મોઢું છુપાવીને ભાગતા નજરે ચઢ્યા હતા. આરોગ્ય વિભાગને આશિત પેકેજીંગ અને તેની પાછળ આવેલી રીડર ઇલેક્ટ્રિક કંપનીમાં 10 સ્થળો પર ડેન્ગ્યુના લાર્વા મળી આવ્યા હતા. જેથી બંને યુવકોના મોત કંપનીમાં જ ડેન્ગ્યુના મચ્છર કરડવાથી થયા છે. તે સાબિત થતા, સમગ્ર કાર્યવાહી બાદ આરોગ્ય વિભાગે બંને કંપનીઓમાં દવાનો છટકાવ કરીને બંને કંપનીઓ પર 5000નો દંડ ફટકારીને હાથ ખંખેરી નાખ્યા હતા. પણ આ તરફ બે જુવાનજોધ યુવકના મોત થવા છતાં કંપનીએ ના તો તેમના માટે કોઈ દિલાસો વ્યક્ત કર્યો કે ના તો તેમને કોઈ વળતર આપ્યું છે.
એક તરફ દમણનું તંત્ર ડેન્ગ્યુ મલેરિયા જેવા પાણીજન્ય રોગો રોકવા માટે ધમપછાડા કરી રહ્યુ છે. તો બીજી તરફ અહીંની જ કંપનીઓમાં ડેન્ગ્યુના લાર્વા મળી આવે છે. જે પ્રશાસનના કાર્યમાં ક્યાંક કોઈ ત્રુટિ રહી ગઈ હોવા તરફ ઈશારો કરી રહી છે. ત્યારે કર્મચારીઓના જીવના ભોગે માત્ર નફો રળવામાં મશગુલ બનેલી આશિત પેકેજીંગ જેવી કંપનીઓ પર પ્રશાસન કડક પગલાં ભારે અને મૃતક યુવાનોના પરિજનોને તેમનું વળતર મળે તેવી માંગ હાલ કર્મચારીઓમાં ઉઠી છે.