નામધા ગામ અને સંઘપ્રદેશ દમણ એકબીજાની સરહદે આવેલા છે. જે સરહદ પરથી દમણગંગા નદી પણ પસાર થાય છે. સેલવાસ તરફથી મધ્યમાં વાપીના નામધા થઈ આ નદી દમણમાં દરિયાને મળે છે. જ્યારે નગરપાલિકાની ડમ્પીંગ સાઇટ નામધા ગામે આવેલી તેને આ દમણગંગા નદી કિનારે આવેલી હોવાથી ડમ્પીંગનો કચરો નદીમાં ઠલવાતા નદી પ્રદુષિત બની રહી છે. આ પ્રદુષણ દમણના કાંઠા વિસ્તારમાં અને નામધામાં મોટાપાયે રોગચાળો નોતરી શકે છે. તેવું દમણથી નામધા ગામે ગામલોકોના વિરોધમાં સુર પુરાવવા આવેલા ઉમેશ પટેલે જણાવ્યું હતું.
ડમ્પીંગ સાઈટના કચરાથી દમણગંગા નદી પણ પ્રદુષિત દમણમાં યુથ એક્શન ફોર્સ નામની NGO ચલાવી પ્રશાસન સમક્ષ સામાજિક અને વહેવારુ મુદ્દે સતત અવાજ ઉઠાવતા ઉમેશ પટેલે જણાવ્યું કે, નામધામાં નદી કિનારે ડમ્પીંગ સાઇટ બનાવી વાપી નગરપાલિકા નામધા ગામના લોકોનો અને દમણના લોકોને રોગચાળાના ભરડામાં નાખી રહી છે. એક તરફ આ ડમ્પીંગ સાઇટ જ ગેરકાયદેસર છે અને તેમાં ઠલવાતો કચરો, મૃત પશુઓ, સડેલા કચરાની દુર્ગંધથી ગામલોકો પરેશાન છે અને સાથે-સાથે દમણગંગા નદીમાં પણ આ કચરો ભળતો હોવાથી દમણના કાંઠા વિસ્તારનાં લોકો પણ પરેશાન છે.
ચોમાસા દરમિયાન કચરો આવી જ રીતે નદીના પાણીમાં ઢસડાતો દમણ તરફ આવશે એટલે દમણમાં પણ રોગચાળો ફાટશે. આ મુદ્દે દમણવાસીઓએ પણ જાગવું જરૂરી છે. આગામી દિવસોમાં આ અંગે દમણ પ્રશાસન, દમણ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ સહિત જે વિભાગો જોડાયેલ હશે તેની સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગંગા સફાઈ અભિયાન અને સ્વચ્છતા અભિયાન દ્વારા દેશને અને દેશની નદીઓને સ્વચ્છ બનાવવાની પહેલ કરી છે. ત્યારે અમારી દમણગંગા નદીને પાલિકાનો કચરો પ્રદુષિત કરી રહ્યો છે. જેના અંગે ગુજરાત સરકાર જાગૃત બનીને આ અંગે જરૂરી આદેશ ફરમાવે અને ડમ્પીંગ સાઈટને બંધ કરાવે તે જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, નામધામાં પાલિકા સામે ફાટી નીકળેલા રોષમાં ઉમેશ પટેલ પણ સુર પુરાવવા આવ્યા હતા. ત્યારે પોલીસે જાહેરનામા ભંગની માઇક દ્વારા જાહેરાત કરતા પોલીસની સુચનાને અનુસરી ઉમેશ પટેલે અને ગામલોકોએ જાહેર માર્ગને બદલે ગામના ફળિયામાં ગામલોકો સાથે મિટિંગ કરી હતી. આ મિટિંગમાં ગામલોકો સાથે વાર્તાલાપ કરી આગામી દિવસોમાં કઈ રીતે આ આંદોલન ચલાવવું તેના અંગે ચર્ચા કરી હતી.