ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણ પોલીસે ત્રણ અલગ-અલગ ગુનાનો ભેદ ઉકેલ્યો - crime solution

દમણ: શહેર પોલીસે દમણમાં શાકભાજી વેંચનાર મહિલાને ચૂંટણીમાં રૂપિયા વેંચાતા હોવાનું કહી દાગીના ઉતારી રફુચક્કર થનાર 5 આરોપીઓને, બુલેટ ચોરનાર 3 આરોપીને અને પ્રવાસીને લૂંટનાર નાસતા ફરતા આરોપીને ઝડપી એક સાથે ત્રણ અલગ અલગ ગુનાનો ભેદ ઉકેલી તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

સ્પોટ ફોટો

By

Published : May 28, 2019, 11:16 AM IST

નાની દમણ માર્કેટમાં શાકભાજી વેચવાનું કામ કરતી વનિતાબેન નારાયણભાઇ ટંડેલને ગત 2જી એપ્રિલના રોજ બપોરે માર્કેટમાં શાકભાજી વેચી રહી હતી. ત્યારે, પાંચથી 6 ઇસમો ત્યાં આવ્યા હતા. વનિતાબેનને આ ઇસમોએ કહ્યું હતું કે, બિબલોસ હોટલ નજીક ચૂંટણીની સભા રાખવામાં આવી છે. અને સભામાં આવેલા લોકોને રૂપિયા વહેંચાય રહ્યા છે.

વનિતાબહેન આ ઠગ ટોળકીની વાતમાં આવી લાલચમાં રૂપિયા લેવા માટે પહોંચી ગઇ હતી. જોકે, થોડે સુધી ગયા બાદ અજાણ્યા ઇસમોએ કહ્યું હતું કે, તમે સોનાના દાગીના પહેરેલા હોવાથી રૂપિયા મળશે નહિં એટલે તમે આ દાગીના કાઢીને પોલીથીનની બેગમાં મુકી દો. લાલચમાં આવેલ વનિતાએ સોનાની ચેન, વીંટી, એક જોડી કંગન અને રોકડા રૂપિયા 3500 તથા મોબાઇલ બેગમાં મુકી દીધા હતા.

દમણ પોલીસે ત્રણ અલગ અલગ ગુનાનો ભેદ ઉકેલ્યો

જોકે, થોડા સમય બાદ ચાલાકીથી ઠગ ટોળકી અંદાજે 1.14 લાખના મુદ્દામાલ ભરેલી બેગ લઇને ત્યાંથી ફરાર થઇ ગઇ હતી. આ બનાવ અંગે વનિતા ટંડેલે દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન રવિવારે ભરૂચ જિલ્લાના LCB PI જયરાજસિંહ જાડેજા અને તેની ટીમની દમણ પોલીસે અકલેશ્વરથી પાંચ આરોપીને ઝડપી પાડ્યા હતા.

દમણ પોલીસે વીરૂ રામ પવાર, રાજુ રામભાઇ પવાર, રાજકુમાર ઉર્ફે રાજુ કિશન ચૌહાણ, દિલિપ કિશન ચૌહાણ તથા પુરણ પ્રભુલાલ સેનની અકલેશ્વરની ધરપકડ કરી હતી. પાંચેય આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. બીજી ઘટનામાં ડાભેલ વિસ્તારમાંથી ચોરાયેલી બુલેટ બાઇક સાથે ત્રણ આરોપીની દમણ પોલીસે ધરપકડ કરી છે. ડાભેલના આમલણ ફળિયામાં રહેતા જિતેન્દ્ર બાબરભાઇ પટેલે શનિવારે રાત્રે રાબેતા મુજબ પોતાની બુલેટ ઘરના આંગણામાં પાર્ક કરી હતી.

દમણ પોલીસે ત્રણ અલગ અલગ ગુનાનો ભેદ ઉકેલ્યો

જેની કોઇ ચોર ઇસમ ચોરી કરી ગયું હતું. દમણ પોલીસે બુલેટના માલિક જિતેન્દ્ર પટેલની ફરિયાદ લઇ તપાસ હાથ ધરી હતી. જે દરમ્યાન ડાભેલ આઉટ પોસ્ટના ઇન્ચાર્જ પુનીત મીણાની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે, ચોરીની બુલેટ બાઇક ડાભેલના આટિયાવાડ વિસ્તારમાંથી શોધી કાઢી હતી. આ ઉપરાંત બુલેટની ચોરી કરનાર ત્રણ આરોપી કમલેશ અશોક ભારતી, લક્ષ્મણ અંગારારામ ભાટી તથા ભારત દુગારામ માલીની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરી 29મી મે સુધીના રિમાન્ડ લઇ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

એ જ રીતે ત્રીજી ઘટનામાં સુરતથી દમણ ફરવા માટે આવેલ સહેલાણી 42 વર્ષીય કમલ નિરંજન ગાંધી ગત 10 મી મેના રોજ સવારે સુરત જવા માટે નીકળ્યો હતો. સવારે ઓટો રીક્શા કે ટેક્સી ન મળતા તેમણે બે અજાણ્યા બાઇક સવાર પાસે લિફ્ટ માગી હતી. જોકે, બાઇક સવાર ઇસમોએ મરવડ ખાતે આવેલી સ્મશાન ભૂમિના માર્ગે લઇ જઇને સહેલાણી કમલ ગાંધીને માર મારીને તેમની પાસેથી અંદાજે 4 તોલાની સોનાની ચેઇન તથા 62 હજાર રૂપિયા ખિસ્સામાંથી કાઢી લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

આ બનાવ અંગે કમલ ગાંધીએ નાની દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ કેસમાં દમણ પોલીસે અગાઉ બે આરોપી સચિન અખિલેશ રાજભર તથા એક સગીરની ધરપકડ કરી હતી. આ કેસમાં વધુ એક આરોપીનું નામ ખુલતા જ પોલીસે ઓમકાર ઉર્ફે પંકજ દીનાનાથ ચૌહાણની ધરપકડ કરી છે. આમ દમણ પોલીસને ત્રણ મહત્વના ગુન્હામાં સફળતા મળતા ચોરી લૂંટ કરનારા આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે.

ABOUT THE AUTHOR

...view details