- 50 ટકા નફો આપવાની લાલચ આપી પડાવ્યા 93 લાખ
- દમણ પોલીસે કાનપુરથી ઝડપી પાડ્યા
- કંપનીમાં ખોટના બહાને આપી હતી લાલચ
દમણ: દમણ પોલીસે એક ફ્રોડ દંપતીની ધરપકડ કરી મહત્વની સફળતા મેળવી છે. પકડાયેલા દંપતી સામે દમણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી કે, આરોપી અમિત રમેશ અગ્રવાલે તેમની શ્રી બાલાજી પેકેજીંગ કંપનીમાં 50 ટકા નફો આપવાની લાલચ આપી 93 લાખ રૂપિયા લીધા બાદ UP નાસી ગયા હતાં. જેને પોલીસે UPથી દબોચી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અચાનક જ આ દંપતી દમણથી ફરાર થઈ ગયું
નાની દમણ પોલીસ મથકમાં એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે, ગત 30મી એપ્રિલ 2021ના રોજ શ્રી બાલાજી પેકેજીંગ કંપનીના ડાયરેક્ટર અમિત રમેશ અગ્રવાલે તેેમની કંપનીને ભંડોળની જરૂર છે. જો તે મદદ કરશે તો તેને કંપનીનો 50 ટકા નફો આપશે તેવી લાલચ આપી હતી. અમીતની આ વાતમાં આવી જઈ વેપારીએ 93 લાખ રૂપિયાના ચેક અને કેસ અમિત રમેશ અગ્રવાલની પત્નીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતાં. જે બાદ અચાનક જ આ દંપતી દમણથી ફરાર થઈ ગયું છે.
આ પણ વાંચો:આણંદમાં ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બનેલા ડૉક્ટરને સાયબર સેલે મોટી રકમ પરત આપાવી
પત્નીના ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા
છેતરપીંડીના આ કિસ્સામાં દમણ પોલીસ મથકના HSO સોહિલ જીવાણીએ IPC કલમ 420, 406 મુજબ ફરિયાદ નોંધી PSI સ્વાનંદ ઇનામદારની આગેવાનીમાં તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં વોન્ટેડ અમિત રમેશ અગ્રવાલ અને બીજા આરોપીને દબોચી લેવા ઉત્તર પ્રદેશમાં ટીમને મોકલી હતી. પરંતુ આરોપી ત્યાં મળ્યો ન હતો. ત્યાર બાદ દમણ પોલીસની ટીમ બાતમીદારો અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે ફરી ઉત્તર પ્રદેશના કાનપુર ગઈ હતી. જ્યાંથી આરોપી અમિત અગ્રવાલ અને તેની પત્નીને દબોચી લીધા હતાં.
આ પણ વાંચો:બોગસ વેબસાઈટ બનાવી 71 વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી
અન્ય લોકોને પણ છેતર્યા હોવાની ફરિયાદ
બંને ગુનેગારોની વધુ તપાસ માટે નાની દમણ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને અદાલતમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતા નામદાર કોર્ટે 2 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજુર કર્યા છે. આ ફ્રોડ દંપતી અંગે નાની દમણ પોલીસ મથકના HSO સોહિલ જીવાણીએ વધુમાં જણાવ્યું હતું કે આ દંપતીએ અન્ય કંપનીઓના માલિકોને પણ 50 ટકા નફાની લોભામણી લાલચ આપી લાખોનું ફુલેકુ ફેરવ્યું છે. તેવી વિગતો આધારે વધુ તપાસ હાથ ધરી છે.