પોલીસના 24 દિવસના સર્ચ ઓપરેશન બાદ આખરે 11 વર્ષીય બાળક મળ્યો દમણ:દમણમાં એક સામાન્ય ચાલીની રૂમમાં રહેતા અને કંપનીમાં નોકરી કરી 2 બાળકોનું ગુજરાન ચલાવતા માતાપિતા માટે દમણ પોલીસ ઈશ્વરદૂત બની છે. ઘણી વાર ભગવાન કોઇને કોઇ રીતે સાથ આપી દેતા હોય છે. જેનું ઉદાહરણ દમણમાં બન્યું છે. પોલીસના સ્વરૂપમાં એક પરિવારને ભગવાનની અનૂભૂતી કરાવી છે. આ પરિવારનો લાડકવાયો 26 દિવસ પહેલા રસ્તો ભૂલી જતા દમણથી સુરત પહોંચી ગયો હતો. જેને શોધવા દમણ પોલીસે 24 દિવસ સુધી સઘન સર્ચ ઓપરેશન હાથ ધરી હેમખેમ પરત લાવી પરિવાર સાથે મિલન કરાવ્યું છે.
આભાર માન્યો:સંઘપ્રદેશ દમણના ડોરી કડેયામાં આવેલ એક ચાલના રૂમમાં રહેતા અને 2 બાળકો સાથે પરિવારનું ગુજરાન ચલાવતા મૂળ બિહારના સુપનકુમાર અને પત્ની દેવંતી દેવીનો 11 વર્ષીય દીકરો સાજન દમણ પોલીસના 24 દિવસના સર્ચ ઓપરેશન બાદ આખરે 26માં દિવસે સુરતના કતારગામ થી હેમખેમ મળી આવ્યો છે. કંપનીમાં નોકરી કરી 2 બાળકોનું ગુજરાન ચલાવતા પતિપત્નીનો વ્હાલસોયો બાળક મળી આવતા પરિવારે પોલીસનો આભાર માન્યો હતો. ઘરે મિષ્ઠાન બનાવી 26 દિવસ બાદ ચિંતા મુક્ત બની અનેરા આનંદની લાગણીમાં ભરપેટ ભોજન કર્યું હતું. વહાલસોયા બાળકને સુરક્ષિત જોઈ તેને શોધવામાં મદદરૂપ બનેલા દમણ પોલીસનો બાળકના પિતા સુપનકુમારે લાગણીસભર આભાર માન્યો છે.
આ પણ વાંચો Daman news: દમણમાં જિલ્લા પંચાયતના પ્રમુખની હપ્તા માંગવાના પ્રકરણમાં પોલીસે કરી ધરપકડ
ટ્રેનમાં સુરત પહોંચ્યો:ગત 24મી ફેબ્રુઆરીએ ઘરેથી લાપતા બનેલ 11 વર્ષીય સાજને પોતાની કાલીઘેલી ભાષામાં જણાવ્યું હતું કે, તે ઘરેથી સાયકલ લઈને નીકળ્યા બાદ રસ્તો ભૂલી જતા દમણથી ગુજરાતના ઉદવાડા પહોંચી ગયો હતો. જ્યાં રેલવે સ્ટેશન પર સુરત તરફ જતી ટ્રેનમાં ચડી ગયો હતો. ટ્રેનમાં એક યુવકની તેના પર નજર પડતા તેણે તેને સુરત સ્ટેશને લાવી રેલવે પોલીસને સોંપ્યો હતો. જ્યાંથી રેલવે પોલીસે સુરતના બાળગૃહમાં મોકલી આપ્યો હતો. કતારગામમાં દમણ પોલીસની ટીમ એક સામાજિક સંસ્થામાં બાળકના ફોટો સાથે પહોંચી હતી. આ સંસ્થામાં બાળક હાજર હોવાનું અને સુરક્ષિત હોવાનું જોવા મળ્યું હતું. એટલે તાત્કાલિક બાળકનો કબજો લઈ દમણ લાવી તેમના માતાપિતાને હેમખેમ સુપ્રત કર્યો હતો. 26 દિવસ બાદ પરિવાર સાથે મિલન થતા બાળક અને તેના માતાપિતાની આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતા--દમણ પોલીસ
આ પણ વાંચો દમણ અને દાદરા નગર હવેલી પ્રભારી બન્યાં બાદ વિનોદ સોનકરની પહેલી મુલાકાત
5000 પોસ્ટર લગાવ્યા:દમણથી સાજન લાપતા બન્યા બાદ દમણ પોલીસે તેની ભાળ મેળવા પોલીસ ટીમનું ગઠન કરી ગુજરાતના નજીકના પોલીસ મથકો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર તપાસ હાથ ધરી હતી. ઘરેથી ગુમ થયેલ બાળકને શોધી કાઢવા દમણ પોલીસે વલસાડ જિલ્લાના 700થી વધુ સ્થળો પર તપાસ કરી હતી. 5000 થી વધુ પોસ્ટર વિવિધ વિસ્તારમાં ચોંટાડયા હતાં. ગામડે ગામડે લાઉડસ્પીકરની મદદથી લોકોને જાણકારી આપવા અપીલ કરી હતી. અખબારોમાં ગુમ નોંધ છપાવી હતી. લગાતાર 18 દિવસ સુધી દમણ અને વલસાડ જિલ્લામાં શોધખોળ કર્યા બાદ વધુ તપાસ માટે મહારાષ્ટ્રમાં તેમજ ગુજરાતના નવસારી, ભરૂચ, અંકલેશ્વર, સુરતમાં ટીમ મોકલી શોધખોળ હાથ ધરી હતી. વિવિધ સામાજિક સંસ્થાઓની, બાળગૃહ, સ્થાનિક રેલવે સ્ટેશન, બસસ્ટેન્ડ ની મુલાકાત લીધી હતી. દિવસ રાતની આ મહેનત બાદ આખરે ગુમ બાળકને સુરતના કતારગામથી શોધી કાઢવામાં આવ્યો હતો.