ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણ-દિવ અને દાદરા નગર હવેલી આવશે એક પ્રશાસન હેઠળ - યુનિયન મિનિસ્ટર

દમણ: સંઘપ્રદેશ દમણ-દિવ અને દાદરા નગર હવેલીને એક જ પ્રશાસનમાં વિલય કરવામાં આવશે. તેવુ દેશની પ્રતિષ્ઠિત સંસ્થા PTI પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાએ શુક્રવારે સાંજે ટ્વીટ કરીને જણાવ્યું હતું. PTIના અહેવાલ મુજબ આગામી સપ્તાહે લોકસભામાં આ અંગે યુનિયન મિનિસ્ટર અર્જુન મેઘવાલ બિલ પાસ કરાવશે. સંઘપ્રદેશના વિલયના આ અહેવાલને લઈને હાલ બંને સંઘપ્રદેશમાં ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, આ વાત જુલાઈ -ઓગસ્ટ 2019માં ખૂબ ચર્ચાનો વિષય બની હતી. જે સમયે કેટલાક રાજકીય આગેવાનોએ બંને પ્રદેશના રીતરિવાજો રહેણી કહેણી અલગ હોવાના કારણો રજુ કરી નારાજગી પણ વ્યક્ત કરી હતી.

દમણ-દિવ અને દાદરા નગર હવેલી આવશે એક પ્રશાસન હેઠળ

By

Published : Nov 23, 2019, 1:41 AM IST

PTI પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના એક અહેવાલે શુક્રવારે મોડી સાંજે સંઘપ્રદેશ દમણ-દિવ અને દાદરા નગર હવેલીમાં ખળભળાટ મચાવી દીધો છે. PTIના ટ્વિટ કરેલા અહેવાલ મુજબ આગામી સપ્તાહે લોકસભામાં યુનિયન મિનિસ્ટર અર્જુન મેઘવાલ સંઘપ્રદેશ દમણ-દિવ અને દાદરા નગર હવેલીને એક પ્રશાસન હેઠળ લઇ આવી બંને અલગ પ્રદેશનું એક પ્રદેશમાં વિલય કરશે. આ માટે બિલ પણ તૈયાર થઈ ગયું છે અને તે આગામી સપ્તાહે લોકસભામાં રજૂ કરી સર્વાનુમતે પાસ કરવામાં આવશે.

આ અંગે વધુ મળતી વિગતો મુજબ જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત રાજ્યોમાં વિભાજન કર્યા બાદ કેન્દ્ર સરકારે એક વધુ મોટો નિર્ણય લીધો છે. સરકારે બે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલીને એક કેન્દ્ર શાસિત પ્રદેશ કરવાનો નિર્ણય લીધો છે. બંને કેન્દ્રશાસિત પ્રદેશો તે બાદ એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વિલિન કરી દેવાશે. કેન્દ્રીય પ્રધાન અર્જુન મેઘાવાલે જણાવ્યું હતું કે, આ બાબતે સંસદમાં આવતા સપ્તાહે બિલ પાસ કરવામાં આવશે. દાદરા નગર હવેલી, દમણ અને દીવ બિલ 2019ને સંસદમાં રજૂ કરવામાં આવશે. આ પ્રસ્તાવને જમ્મુ-કાશ્મીરના વિભાજનના ત્રણ મહિના બાદ લાવવામાં આવ્યો છે. આ પહેલા જમ્મુ-કાશ્મીરને 5 ઓગસ્ટના રોજ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરવામાં આવ્યા છે. જે બાદ જમ્મુ કાશ્મીર અને લદાખ અલગ-અલગ કેન્દ્ર શાસિત રાજ્ય બની ગયા છે. આ અંગે કેન્દ્રીય પ્રધાન અર્જુન મેઘવાલે લોકસભામાં જ્યારે રાજ્યસભામાં વી મુરલીધરનએ જાણકારી આપી છે. આ બિલ 25 નવેમ્બરે રજૂ કરવામાં આવશે. આ બિલને પહેલાથી જ કેબિનેટે મંજૂરી આપી દીધી છે. દાદરા અને નગર હવેલી, દમણ અને દાદરા નગર હવેલી એકબીજાથી 35 કિલોમીટર દૂર છે. જ્યારે દિવ આ બંનેથી 600 કિલોમીટર દૂર છે. તેવામાં બંને પ્રદેશના એકીકરણ થવાથી કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસન કાર્યવાહી સરળ બનશે. બંને કેન્દ્રશાસિત પ્રદેશો હાલ એક એડમિનિસ્ટ્રેટર દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યા છે.

દમણ-દિવ અને દાદરા નગર હવેલી આવશે એક પ્રશાસન હેઠળ
ઉલ્લેખનીય છે કે, દમણ દીવ અને દાદરાનગર હવેલીના એક જ પ્રશાસન નીચે લઇ આવવાની વાત 2 મહિના પહેલા ખૂબ જ જોરશોરથી સંભળાઈ હતી. જે સમયે આ અંગે ગૃહપ્રધાન અમિત શાહની પણ દાદરા નગર હવેલીમાં મુલાકાત ગોઠવવામાં આવી હતી અને તેમની મુલાકાત સમયે આ જાહેરાત કરવામાં આવશે, તેવુ રાજકીય પંડિતોએ માન્યુ હતું. પરંતુ, તે વખતે આ અંગે કોઈ સ્પષ્ટીકરણ થયું નહોતું.વધુમાં દાદરા નગર હવેલી વનરાજીથી ઘેરાયેલો આદિવાસી પ્રદેશ છે. જ્યારે તેમની સામે દમણ અને દીવ સમુદ્ર કાંઠે આવેલો પ્રદેશ છે. આ પ્રદેશમાં મુખ્ય વ્યવસાય માછીમારીનો છે. જોકે બંને પ્રદેશો પ્રવાસન ક્ષેત્રે અગ્રીમ પ્રદેશ છે અને હાલમાં એક જ પ્રશાસક હેઠળ આવે છે. તેમ છતાં બંને પ્રદેશની અન્ય વહીવટી પ્રક્રિયા અલગ છે. એ જ રીતે બંને પ્રદેશના રીત રિવાજો અને રહેણી કહેણીમાં પણ ઘણી અસમાનતા હોય છે. સંઘપ્રદેશના વિલીનીકરણ અંગે બંને પ્રદેશના સ્થાનિક રાજકીય આગેવાનો, સમાજના આગેવાનો અને બુદ્ધિજીવીઓએ બંને પ્રદેશનાં એકીકરણ કરવા અંગે જે તે વખતે નારાજગી વ્યક્ત કરી હતી. જો કે હવે તેમની આ નારાજગી મોદી સરકારે ગણકારી નથી અને આગામી દિવસોમાં બંને પ્રદેશ એક જ સંઘપ્રદેશમાં વિલીનીકરણ પામશે.

ABOUT THE AUTHOR

...view details