દમણમાં પ્રવાસીઓના માનીતા જામપોર બીચ પર હાલ પ્રવાસીઓનો ધસારો ઘટ્યો હોવાનું ફલિત થયું છે. આ માટે મહત્વનું કારણ એ છે કે, અહીં ખાણી-પીણીના 103 સ્ટોલ હતાં. જે સ્ટોલમાં દરિયાઈ જીવસૃષ્ટિની વાનગીઓ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર હતું. પ્રવાસીઓ દરિયા કિનારે જ આવા સ્ટોલમાં દારૂ-બિયરના સેવન સાથે સી-ફૂડ અને અન્ય ખાણી પીણીની મોજ માણી શકતા હતાં.
આ માટે પ્રવાસન વિભાગ દ્વારા સ્ટોલ ધારકોને સ્ટોલ ફાળવી વર્ષે 15 હજારની વસુલાત કરવામાં આવતી હતી. જે બાદ પ્રશાસને અહીં દરિયા કિનારે દારૂના સેવન પર પ્રતિબંધ ફરમાવી દીધો. જેના થોડાક દિવસ બાદ વિકાસના નામે તમામ સ્ટોલને નેસ્તનાબુદ કરી દેવામાં આવ્યા. પ્રશાસને તમામને નવેસરની પ્રક્રિયા સાથે સ્ટોલ આપવાની ખાતરી આપી હતી. જે મુજબ હાલમાં A અને B કેટેગરી મુજબ 60 સ્ટોલ ધારકો માટે લાયસન્સ આપવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ પ્રક્રિયામાં 45 સ્થાનિક સ્ટોલ ધારકોને ડ્રો દ્વારા સ્ટોલની ફાળવણી કરી છે. જ્યારે 15 વેપારીઓ માટે ઓક્શન સિસ્ટમ રાખી છે. ડ્રો સિસ્ટમમાં કુલ 46 હજાર ભરીને સ્ટોલ મેળવવાનો છે. જ્યારે ઓક્શન પ્રક્રિયામાં 1 લાખથી 1.25 લાખ સુધીમાં લાયસન્સ મેળવવામાં આવ્યા છે.
દમણ પ્રશાસનની દાઝ્યા પર મલમપટ્ટી, પહેલા રોજગારી છીનવી પછી રોજગારી આપવા નીકળ્યું આ સમગ્ર મામલે પ્રવાસન વિભાગ તરફથી મળેલી વિગતો મુજબ આ 50 હજારની A કેટેગરી માટે અને B કેટેગરીની પરવાનગી 11 મહિનાની મંજૂર કરી છે. જેમાં જે તે લાયસન્સ ધારકે 15 ફૂટની લંબાઈ, 8 મીટરની પહોળાઈ અને 4 મીટર ઊંચાઈ મુજબ ઝૂંપડું બનાવવાનું રહેશે. જેમાં શરાબ સિવાય સી-ફૂડ કે, અન્ય વાનગી, ઠંઠાપીણાનું વેંચાણ કરી શકશે. ઝૂંપડામાં cctv કેમેરા અને સ્વચ્છતાને પ્રાધાન્ય આપવું પડશે.
જ્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે, 103માંથી માત્ર 45 જેટલા લોકોને જ પરમિશન મળી છે. એટલે બાકીના લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. અધૂરામાં પૂરું 15 હજારની સામે 45 હજાર ભરવા પડ્યાં છે. તેમ છતાં દારૂના વેંચાણની પરમિશન નથી. જો દારૂ ના વેંચી શકીએ તો પછી અમારે કમાવું કઈ રીતે કેમ કે, નોનવેજ વાનગી ખાવાવાળા પ્રવાસીઓ શરાબના સેવન સાથે જ તેની મજા માણતા હોય છે. જો શરાબ જ નહીં મળે તો તેવો પોતાના ઝૂંપડામાં આવશે જ નહીં.
ઉલ્લેખનીય છે કે, પ્રશાસને પહેલા અહીંના સ્ટોલ ધારકોને હટાવી જામપોર બીચની પ્રવાસીઓના ધસારાની રોનક ફિક્કી કરી નાખી છે. નવા નિયમો હેઠળ સ્થાનિક લોકોની રોજગારી પર પણ તરાપ મારી છે. જે બાદ હવે દમણ પ્રશાસન અને પ્રવાસન વિભાગ દાઝ્યા પર મલમપટ્ટી જેવી કામગીરી હેઠળ ત્રણ ગણા ભાવે રોજગારી આપવા નીકળ્યું છે. જેની સામે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે.