દમણઃ વાપી GIDCની સ્થાપના કરનાર અને ગુજરાતને ઔદ્યોગિક રાજ્ય બનાવવામાં મહામૂલ્ય યોગદાન આપનાર પૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઈની 29મી ફેબ્રુઆરીએ 125 જન્મ જયંતિ હતી. આ દિવસને ધ્યાને રાખી વાપીમાં મોરારજી સર્કલ ખાતે સ્વ. મોરારજી દેસાઈની પ્રતિમા સાથેના સર્કલનું અનાવરણ કરી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇની પ્રતિમા સાથેના સર્કલને ખુલ્લું મૂકી શ્રદ્ધાંજલિ અપાઈ - Daman news
GIDCમાં મોરારજી સર્કલ ખાતે વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઉદ્યોગપતિઓ, ધારાસભ્ય કનુ દેસાઈ, નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે વાપી GIDCનો પાયો નાખનાર વલસાડના પનોતા પુત્ર પૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઇની પ્રતિમા સાથેના સર્કલને ખુલ્લું મૂકી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
મોરારજી સર્કલ ખાતે સ્વ. મોરારજી દેસાઈની પ્રતિમાનું પૂન:અનાવરણ કરવા આવેલા પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈએ પોતાની કારકીર્દી એક સનદી અધિકારી તરીકે શરૂ કરી હતી. જે બાદ તેઓ રાજકીય ક્ષેત્રે વડાપ્રધાન સુધી પહોંચ્યા હતા. તેઓ વલસાડના પનોતા પુત્ર હતા અને તેમને ભારત સરકારે ભારત રત્નનો ખિતાબ તેમજ પાકિસ્તાન સરકારે નિશાન-એ-પાકિસ્તાનનો ખિતાબ એનાયત કર્યો હતો. તેમના જીવન મૂલ્યોમાંથી લોકોને અનેક પ્રેરણા મળી છે.
વાપી GIDCનો પાયો નાખનાર પૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઈએ સર્કલ ખાતેથી વાપી GIDCનું ભૂમિ પૂજન કર્યું હતું. જે બાદ તેમની યાદમાં સર્કલ બનાવવામાં આવ્યું હતું. જેમાં ટ્રફિકની સમસ્યાં પડતી હોવાથી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા CSR ફંડ હેઠળ દસ લાખ રૂપિયાના ખર્ચે નવું સર્કલ બનાવવામાં આવ્યું છે અને તે સર્કલમાં પૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઈની પ્રતિમાને પુનઃસ્થાપિત કરવામાં આવી છે.