વાપીઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં માટીના માટલાની ડિમાન્ડ વધતી હોય છે. એ માટે વાપી સહિત આસપાસના વિસ્તારમાં છેક ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનથી કેટલાક પરિવારો માટલા વેંચવા આવે છે. હાલ પણ ઉનાળાની સિઝન હોવાથી વાપીમાં યુપીથી 30 જેટલા લોકો ગુંજન વિસ્તારમાં ઝુંપડા બાંધી માટલા વેંચવા આવ્યા છે. પરંતુ, દેશમાં કોરોના મહામારીને કારણે લાગુ કરાયેલા લૉકડાઉનનું ગ્રહણ નડતા માટલા વેંચાતા નથી અને કમાણી થતી નથી.
યુપી-રાજસ્થાનથી આવેલા માટલા વેંચનારાઓનો ધંધો ઠપ્પ પોતાની આપવીતી વર્ણવતા સંજય નામના માટલા વેંચવા નીકળેલા યુવકે જણાવ્યું હતું કે, તે અને તેની સાથે અન્ય લોકો મળી કુલ 30 જેટલા લોકો વાપીમાં માટલા વેંચવા આવ્યાં છે. આ માટલા તેઓ રાજસ્થાનથી મંગાવે છે. હાલમાં આવા ટ્રક ભરીને માટલા મંગાવ્યા છે. જેને લારીમાં નાખીને આસપાસના વિસ્તારમાં વેંચવા નીકળી રહ્યા છે. પરંતુ લૉકડાઉનના કારણે રોજના માંડ એકાદ બે માટલા વેંચાય છે. જેનાથી રોજનો ખર્ચો નીકળતો નથી.
માટલાં ખરીદનારા ગ્રાહકો મળતા ના હોવાને કારણે તેઓ પોતાના વતન યુપી જવા માગે છે. પરંતુ તે માટે પણ તેઓ પાસે કોઈ સગવડ નથી. આ લોકો ગુંજન વિસ્તારમાં એક ખુલ્લા મેદાનમાં ઝુંપડા બાંધીને રહે છે. જ્યાં તેઓને કોઈ સંસ્થા દ્વારા ખાવાનું આપે છે. જેમાં માત્ર ખીચડી, શાક હોય આ શ્રમજીવીઓનું પેટ અડધું ભૂખ્યું રહે છે. દુકાનમાંથી વસ્તુઓ ખરીદવા જેટલા પૈસા પણ નથી. એટલે આ કફોડી પરિસ્થિતિમાં વતન જવાની ઈચ્છા વ્યક્ત કરે છે. જે માટે કોઈ સંસ્થા કે વહીવટીતંત્ર આગળ આવી મદદ કરે તેવી આશ લગાવી છે.
ઉલ્લેખનીય છે કે, સંજય જેવા આ 30 યુવાનો દરરોજ થ્રી વ્હીલર સાયકલ પર માટલા ખડકી તેને વેંચવા નીકળે છે. માટીના આ ઘડાનો ભાવ 100 રૂપિયાથી લઈને 200 રૂપિયાનો છે. લોકોને પણ કાળઝાળ ગરમીમાં ઠંડક આપતા પાણીના ઘડા ખરીદવા છે. પરંતુ લૉકડાઉનનું ગ્રહણ નડતું હોવાથી ખરીદી કરવા બહાર નીકળતા નથી. એટલે માટલા વેંચનારાઓનો ધંધો થતો નથી.