વાપીમાં બિલ્ડરે સુવિધા વગરના વહેચ્યા 37 ફલેટ, હવે રહેવાસીઓ ભોગવી રહ્યા છે પરેશાની - Vapi
વાપી: છીરી ગામમાં મુંબઇના 1 બિલ્ડરે અને અન્ય 2 પાર્ટનરો સાથે મળીને ઓમ પેલેસ નામનું બિલ્ડીંગ બનાવ્યું હતુ. જેમાં લોકોને પાણી, પાર્કિંગ અને લાઇટ સહિતની સુવિધાની મોટી વાતો કરીને 37 ફલેટ વેંચી દીધા હતા. પરંતુ અત્યારે માત્ર 5 વર્ષમાં જ બિલ્ડીંંગ ખખડધજ બની ગઇ છે. ત્યારે બિલ્ડરને રજુઆત કરતાં તે લોલીપોપ પકડાવીને લોકોને બેવકુફ બનાવી રહ્યા છે.
વાપી નજીક આવેલ છીરી ગામમાં મુંબઈના એક બિલ્ડરે અન્ય બે પાર્ટનર સાથે મળી છીરીમાં ઓમ પેલેસ નામનું બિલ્ડીંગ બનાવ્યું હતુ. આ બિલ્ડીંગ બન્યાને માત્ર 5 જ વર્ષ થયાં છે. 5 જ વર્ષમાં બિલ્ડિંગની હાલત રહેવાસીઓ માટે ભયજનક બની છે. બિલ્ડિંગના નિર્માણ દરમિયાન બિલ્ડર સંજીવ ઉપાધ્યાય દ્વારા દરેક ફેલટ અને દુકાન ખરીદનારને જણાવ્યું હતું કે, બિલ્ડિંગમાં GIDCનું અને બોરનું પાણી આપવામાં આવશે, લિફ્ટની સુવિધા હશે, આલીશાન કલરથી બિલ્ડીંગને શોભાવવામાં આવશે.
ફ્લેટ ધારકો પણ બિલ્ડરની વાતમાં આવી ગયા અને ફ્લેટ-દુકાનો ખરીદી લીધા જે બાદ બિલ્ડરે બિલ્ડીંગને કલર કર્યા વિના, લિફ્ટની સુવિધા આપ્યા વિના અને GIDC ના પાણીના કનેક્શન વિના જ પઝેશન આપી લાખો રૂપિયા લઇ લીધા અને આવતા મહિને અધૂરું કામ પૂરું કરી દઈશું તેવા વાયદા કર્યા.