આ પ્રદેશોના એકીકરણ પાછળના મહત્વના મુદ્દાઓ પર નજર કરીએ તો ત્રણેય પ્રદેશને એક કરીને સરકાર વહીવટી ખર્ચા ઉપર અંકુશ મૂકવાનો પ્રયાસ કરી રહી હોવાનું દેખાઈ રહ્યું છે. આ બિલ પાસ થશે તો વહીવટી પ્રક્રિયા સરળ બનશે અને મીની એસેમ્બલી પણ મળી શકે તેવું માનવામાં આવી રહ્યું છે. વિલીનીકરણથી દાદરા નગર હવેલી દમણ અને દીવ એક થઈ જશે અને તેનું મુખ્યાલય દમણ થવાની સંભાવના છે.
દાદરા નગર હવેલી વનરાઈથી ઘેરાયેલો આદિવાસી પ્રદેશ છે. ત્યાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. જ્યારે તેમની સામે દમણ અને દીવ સમુદ્ર કાંઠે આવેલો પ્રદેશ છે. આ પ્રદેશના મુખ્ય વ્યવસાયની વાત કરીએ તો તે માછીમારીનો છે. 2જી ઓગસ્ટ 1954માં સ્થાનિક સ્વતંત્ર સેનાનીઓએ દાદરા નગર હવેલીને મુક્ત કરાવ્યું હતું. 11 ઓગસ્ટ 1961માં દાદરા નગર હવેલી સંઘપ્રદેશ તરીકે અસ્તિત્વમાં આવ્યું. દમણમાં દેશની આઝાદીના 14 વર્ષ પછી ભારત સરકારે લશ્કરી કાર્યવાહી કરીને 19મી ડિસેમ્બર 1961ના રોજ આઝાદ કરી સંઘપ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો હતો.