દમણ પ્રવાસન વિભાગ અને પ્રશાસન દ્વારા સંઘપ્રદેશ મોટી દમણ લાઈટ હાઉસ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. દમણમાં આવતા પ્રવાસીઓ દરિયા કિનારે વિવિધ પ્રવૃતિઓની મજા માણી શકે તે માટે ગોવાની તર્જ પર રમતગમતની પ્રવૃત્તિ ઉભી કરવામાં આવી છે. આ બીચ પર જેટ સ્કીઝ, બનાના રાઈડીંગ, પેરા સેઇલિંગ, પેડલ બોટિંગ, રોઇંગ, કેકિંગ અને મોટર બોટિંગ જેવી આકર્ષક રાઈટ્સ પણ ઉમેરી છે.
દમણમાં પ્રવાસીઓ માટે બીચ વોટર સ્પોર્ટસનો કરાયો શુભારંભ - દમણ ન્યૂઝ
દમણઃ સંઘપ્રદેશ દમણમાં દરિયા કિનારે આવતા પ્રવાસીઓ બીચ વોટર સ્પોર્ટ્સનો આનંદ માણી શકે તે માટે વોટર સ્પોટર્સ એક્ટિવિટીનો શુભારંભ કરાયો હતો. મોટી દમણ લાઈટ હાઉસ અને જામપોર બીચ સહિત દીવ, દાદરા નગર હવેલી તેમ મળી કુલ 9 સ્થળોએ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીના આયોજન સાથે પ્રશાસક પ્રફુલ પટેલે જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં દમણના સાંસદ લાલુભાઈ પટેલ, પ્રશાસનિક અધિકારીઓ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો સહિત મોટી સંખ્યામાં દમણના નાગરિકો-પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં હોટેલ એસોસિએશન દ્વારા આ એક્ટિવિટીથી અનેક ફાયદા થવાની આશા વ્યક્ત કરી હતી. જ્યારે સાંસદ લાલુભાઈ પટેલે દમણ હવે માત્ર દરિયા કાંઠે ખાવા પીવાના કારણે જ નહીં પરંતુ, વોટર સ્પોર્ટ્સની રમતો માટે પણ પ્રવાસીઓને આકર્ષશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
ઉલ્લેખનીય છે કે, દર સપ્તાહમાં 60,000થી વધુ લોકો દમણની મુલાકાત લે છે. જેમાં હવે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીના નવલા નજરાણા થકી આ આંકડો 80 હજારે પહોંચશે તેવું પ્રવાસન વિભાગનું માનવું છે. હાલ, વેકેશન અને દિવાળી પર્વને કેન્દ્રમાં રાખી આ આયોજન કરાયું છે. જે સફળ થશે તો દમણનો પ્રવાસન ક્ષેત્રે વધુ વિકાસ થશે.