દાદરા નગર હવેલીમાં ઉપસ્થિત રહેલા ગૃહ મંત્રી અમિત શાહે મેડિકલ કોલેજ, અક્ષયપાત્ર યોજના સહિતના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યું હતું. સાથે પોષણ માહનું ઉદ્ઘાટન કર્યું હતુ. અમિત શાહે કહ્યુ કે, દાદરા નગર હવેલીમાં 290 કરોડથી વધુના કાર્યનું લોકાર્પણ કરવાનું તેમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. સેલવાસમાં લોકો વિકાસની રાહ જોતા હતા જે વિકાસ 2014માં મોદી સરકારના આવ્યા બાદ જ થયો છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પ્રગતિના પંથે છે. અને આવનારા દિવસોમાં હજુ પણ વધુ પ્રગતિ કરશે.
અમિત શાહે જણાવ્યું હતું કે, મોદી સરકારે ઘર ગેસ વીજળી પહોંચાડવાની કામગીરી પુરી કરી દીધી છે. આ પ્રદેશમાં બાળકોને ડોક્ટર બનાવી સંઘપ્રદેશના ગરીબ દર્દીઓને આરોગ્ય સેવા પૂરી પાડવાની નેમ છે. તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીજીને દેશની જનતાએ આ બીજો મોકો આપ્યો છે. આવનારા દિવસોમાં બીજી સપ્ટેમ્બરથી દેશમાં જળ શક્તિ મંત્રાલયની શરૂઆત કરવામાં આવી રહી છે. આ જળ સંચય મંત્રાલય દેશના વિવિધ વિસ્તારોમાં પાણીની જરૂરિયાત અનુસાર ડેમ-તળાવ બનાવશે. લોકોને પાણીનો વેડફાટ કરતા અટકાવશે. અને પાણીથી ખેતીની બમણી આવક ઉપજાવી દેશની નદીઓને જોડવાનું કામ કરશે. દેશમાં 14 કરોડ લોકોને શુદ્ધ પીવાનું પાણી મળતું નથી. ત્યારે સાડા ત્રણ લાખ કરોડના ખર્ચે જળ શક્તિ મંત્રાલય દ્વારા લોકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે.
ગાંધીજીની 150મી જયંતી નિમિત્તે અમિત શાહે જણાવ્યું હતું કે, આ વખતે સ્વચ્છતા અભિયાન બાદ હવે પ્લાસ્ટિક અભિયાન હાથ ધરાયું છે. લોકોને માતાઓ બહેનોને અનુરોધ છે કે, પ્લાસ્ટિકના ઝબલા ને બદલે કપડાની થેલી વાપરો અને ગાંધીજીના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા મદદરૂપ બનો.
ગૃહ પ્રધાન અમિત શાહે મોદી સરકારની વિકાસ ગાથા રજુ કરી જમ્મુ કાશ્મીરની કલમ 370 અને 35એ પર અમિત શાહે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આ કામ ક્યારેય કોઇએ નહોતું કહ્યું કે મોદી સરકારે કર્યું છે. આ કામ માટે કેટલાક વિરોધ કરે છે. પરંતુ 370 ના બિલ પર કોંગ્રેસ અને રાહુલ ગાંધી જે વિરોધ કરી રહ્યા છે તેના ભાષણ પર પાકિસ્તાનની સંસદ ખુશ થઈ રહી છે. ત્યારે લોકોએ કોંગ્રેસની આ નીતિને ખૂબ સારી પેઠે જાણી છે. અને એટલે જ નરેન્દ્ર મોદીને તેમનો સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે. કોંગ્રેસ એર સ્ટ્રાઈક, સર્જીકલ સ્ટ્રાઈક સહિત તમામ મુદ્દે વિરોધ કરતી આવી છે. પરંતુ હું અહીં જણાવવા માંગીશ કે જમ્મુ કાશ્મીરમાં ધારા 370 અને 35 A હટાવ્યા બાદ સમગ્ર કાશ્મીરમાં શાંતિનો માહોલ છે. કાશ્મીરમાં 370 કલમ હટાવ્યા બાદ ના ગોળી છોડવી પડી છે. ના ટીયરગેસ છોડવા પડ્યા છે. અને આ દિવસોમા એક પણ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો નથી. કાશ્મીરમાં સંપૂર્ણપણે શાંતિનો માહોલ છે. પરંતુ બાંગ્લાદેશની લડાઈ વખતે ભાજપે કોંગ્રેસને સાથ સહકાર આપ્યો હતો તેઓ સાથ-સહકાર કોંગ્રેસ ભાજપને કાશ્મીર અને તેને લગતા અન્ય મુદ્દાઓ પર આપતી નથી. અને વિરોધ કરી વોટબેંકની રાજનીતિ કરી રહી છે.મેડિકલ કોલેજના વિદ્યાએથીઓને સ્ટેથોસ્કોપ અને લેપટોપ આપી કોલેજ પ્રવેશ કરાવ્યો હતો. અક્ષયપાત્ર યોજનાના આધુનિક રસોડામાંથી 11 ભોજનની વાનને લીલોઝંડી આપી હતી. પોષણ માહ અંતર્ગત નાના બાળકોને પોષણ આહાર આપ્યો હતો.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પ્રસંગે આવેલા અમિત શાહ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકર, દમણના સાંસદ લાલુ પટેલ, વલસાડના સાંસદ ડૉ. ખાલપા પટેલ સહિતના મહાનુભાવોએ અભિવાદન કર્યું હતું. આ સાથે દાદરા નગર હવેલી દમણની જિલ્લા પંચાયત નગરપાલિકા વેપારી મંડળ ઔદ્યોગિક એસોસિયેશન સહિત વિવિધ સંસ્થાઓએ પણ ભવ્ય સ્વાગત કર્યું હતું.
દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકર આ પ્રસંગે પોતાના ઉદબોધનમાં દાદરા નગર હવેલીમાં જે 500 જેટલા સરકારી કર્મચારીઓને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે. તે અંગે સરકાર યોગ્ય નિર્ણય લે અને તે તમામને ફરી નોકરી પર પરત લેવામાં આવે તેઓ અનુરોધ કર્યો હતો. ત્યારે પ્રશાસક પ્રફુલ પટેલે પોતાના સંબોધનમાં દાદરાનગર હવેલીમાં કરેલા વિકાસના કાર્યોની સાફલ્ય ગાથા રજૂ કરી હતી.