ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણના કાઉન્સિલરે સહાય કરી આપ્યું અનોખું ઉદાહરણ - Daman Admin Praful Patel

દમણ: પ્રશાસન દ્વારા વિકાસના નામે તાનાશાહી ચલાવી ગરીબ પરિવારોને બેઘર બનાવ્યા બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે દમણ નગરપાલિકાના કાઉન્સિલરે પીડિતોની વહારે આવી અનોખી મિશાલ આપી છે. ચંદ્રગીરી ટંડેલ નામના આ કાઉન્સિલરના વિસ્તારમાં પણ પ્રશાસને 10 માસ પહેલા 12 પરિવારોને બેઘર બનાવ્યા હતા. જેમને ચંદ્રગીરીએ 25 હજારની સહાય કરી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરનું ઘર અપાવી ગૃહપ્રવેશ કરાવ્યો હતો.

etv bharat

By

Published : Nov 8, 2019, 4:25 AM IST

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પ્રશાસક પ્રફુલ પટેલના આદેશથી પ્રશાસને હાલમાં જ વિકાસના નામે 120 પરિવારોને બેઘર કરી મુકતા દમણના લોકોમાં વિરોધનો સુર ઉઠ્યો છે અને પાંચ દિવસથી દમણ બંધ કરી પોતાનો આક્રોશ ઠાલવી રહ્યાં છે. જેમાં આજથી 10 મહિના પહેલા દમણના વોર્ડ નંબર 5 ની પરકોટા શેરીમાં પણ પ્રશાસને ગેરકાયદેસર મકાનો તોડી પાડ્યા હતાં.

જે સમયે આ 12 બેઘર પરિવારોને મદદરૂપ થવા આ વિસ્તારના કાઉન્સિલર ચંદ્રગીરી ટંડેલ આગળ આવ્યા હતાં અને 12 પરિવારોમાંથી 8 પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ અપાવવાની પહેલ કરી નગરપાલિકા ચીફ ઓફિસર, બેંકના મેનેજર સાથે વાટાઘાટો કરી હતી. જે બાદ આવાસ માટે જરૂરી રકમ એવી 1.42 લાખ આ પરિવારો ભરી શકે તેમ ન હોય ટુકડે ટુકડે તે રકમ જમા કરવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં ગુરુવારે ચંદ્રગીરી ટંડેલે એક પરિવારને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો અને બાકીના પરિવારને 25 હજારની સહાય કરી હતી.

આ ઉદાહરણરૂપ સહાય આપતી વખતે ચંદ્રગીરી ટંડેલે દમણના લોકોને, ઉદ્યોગપતિઓને અને દમણથી લંડનના લેસ્ટર સહિતના વિવિધ વિદેશના શહેરોમાં સ્થાયી થયેલા લોકોને અપીલ કરી હતી કે, તેઓ પણ આ માટે આગળ આવે અને આ રોજનું રોજ કમાઈને ખાનારા પરિવારોને થોડી મદદ કરી ઘરનું ઘર અપાવવામાં સહાયરૂપ થાય.

દમણના કાઉન્સિલરે સહાય કરી આપ્યું અનોખું ઉદાહરણ

બીજી બાજુ નિર્મલા નામની મહિલાને ચંદ્રગીરી ટંડેલે 25 હજારનો ચેક આપતા તેણે તે સ્વીકારી જણાવ્યું હતું કે, અમે ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. ઘર માટેના દોઢ લાખ માટે જ્યાં કામ કરીએ છીએ તેમની મદદ થકી 25 હજાર રૂપિયા જમા કરેલા આજે 25 હજાર ચંદ્રગીરી ટંડેલ તરફથી મળ્યા છે. હજુ પણ એક લાખની જરૂર છે. જો અન્ય લોકો પણ આ રીતે મદદરૂપ થશે તો અમે અમારું ઘરના ઘરનું સપનું સાકાર કરી શકીશું.

ઉલ્લેખનીય છે કે, પાછલા 1 વર્ષમાં દમણ પ્રશાસને નિર્મલા જેવા અનેક પરિવારોને બેઘર બનાવ્યા છે. આ એવા ગરીબ પરિવારો છે કે, જેઓ સરકારી જમીન પર કાચા મકાન બનાવી વર્ષોથી રહેતા હતા. જેઓને દમણના વિકાસના નામે પ્રશાસને બેઘર બનાવ્યા બાદ આ જ વિસ્તારમાં હજુ સુધી દમણની પ્રજાને ફાયદો થયો હોય તેવી એકપણ વિકાસની કામગીરી દમણવાસીઓને જોવા મળી નથી.

એ જ આક્રોશ હાલ દમણની જનતામાં જોવા મળ્યો હતો. ત્યારે હવે જે રીતે દમણ નગરપાલિકાના કાઉન્સિલર ચંદ્રગીરીએ પહેલ કરી છે. તેવી પહેલ અન્ય લોકો પણ કરશે તો ચોક્કસ આ ગરીબોના ઘરનું સપનું સાકાર થશે.

ABOUT THE AUTHOR

...view details