દમણમાં હિંદુ જાગરણ મંચ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અષાઢી બીજના વહેલી સવારે સાધુ, સંતો, મહંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં દમણના સત્યનારાયણ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રા અગાઉ ભગવાન જગન્નાથજીની રાજકીય અગ્રણીઓ તેમજ સાધુ-સંતોના હસ્તે પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.
દમણમાં 'જય જગન્નાથ'ના નાદ સાથે યોજાઈ ભવ્ય રથયાત્રા - Gujaratinews
દમણ: અષાઢી બીજ નિમિત્તે દમણમાં પણ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાથી-ઘોડા પાલકી જય કનૈયા લાલકીના નાદ સાથે દમણના સત્યનારાયણ મંદિરથી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળ્યા હતા. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં દમણ અને તેની આસપાસના ભાવિક ભક્તો જય જગન્નાથના નાદ સાથે યાત્રામાં જોડાયા હતા.
![દમણમાં 'જય જગન્નાથ'ના નાદ સાથે યોજાઈ ભવ્ય રથયાત્રા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3749687-thumbnail-3x2-daman.jpg)
ભવ્ય રથ પર બિરાજમાન ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યાએ નીકળ્યા હતા. જગન્નાથજીની આ નગરચર્યામાં મોટી સંખ્યામાં દમણના ભાવિક ભક્તો જોડાઈને હાથી, ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, જય જગન્નાથ જેવા ગગનભેદી નાદ ગજાવ્યા હતાં.
દમણમાં આયોજીત જગન્નાથ રથયાત્રા સત્યનારાયણ મંદિરથી દમણના ચાર રસ્તા ટેક્સી સ્ટેન્ડ, પોસ્ટ ઓફિસ, ધોબી તળાવ રોડથી તીનપત્તી સુધી ફરી હતી. ત્યાંથી પરત સત્યનારાયણ મંદિર ખાતે વિરામ લીધો હતો. આ યાત્રા દરમિયાન એક વાગ્યે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો ભગવાન જગન્નાથની યાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દમણ પોલીસે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.
આ સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ રથયાત્રાનો સત્યનારાયણ મંદિરથી પ્રારંભ થયો હતો. આ રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને રથયાત્રામાં જોડાયા હતા.