દાહોદ :જિલ્લાના ગ્રામ્ય અને વાડી વિસ્તારમાં અવારનવાર હિંસક પ્રાણીઓ આવી ચડતા હોય છે. તેમાં મુખ્યત્વે દીપડાના હુમલાના બનાવો દિવસેને દિવસે વધતા જાય છે. થોડા દિવસો પહેલા જ વિસાવદર ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ હુમલો કરતા બે લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી. ત્યારે ગતરોજ ગરબાડાના ભે ગામમાં દીપડાના હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં દીપડાએ એક દંપતીને ઈજા પહોંચાડી હતી.
ભે ગામની ઘટના : દિનપ્રતિદિન હિંસક પ્રાણીઓના વધતા હુમલાના કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ત્યારે ગતરોજ ગરબાડા તાલુકાના ભે ગામે દંપતી પર દીપડાએ હુમલો કર્યાની ઘટના બની હતી. દીપડાએ હુમલો કરતા દંપતી ઘાયલ થયા હતા. આ અંગે જાણ થતા ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઉપરાંત વન વિભાગની ટીમે પણ સ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જીવલેણ હુમલો : ગરબાડા તાલુકાના ભે ગામે ગારી ફળીયામાં દશરથ ભાઈ અને તેમની પત્ની મંજુબેન પોતાનાં ખેતરમાં ફૂલ વીણવા જઈ રહ્યા હતા. ત્યારે અચાનક વાડીમાં સંતાયેલા દીપડાએ દંપતી પર હુમલો કર્યો હતો. જેમાં દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પતિ-પત્નીએ બુમાબુમ કરતા દીપડો જંગલ તરફ ભાગી ગયો હતો. જ્યારે સ્થાનિક લોકો અને પરિવારજનોએ દંપતીને સારવાર અર્થે દાહોદ મોકલ્યા હતા.
પત્નીને બચાવતા પતિ ઘાયલ : ઈજાગ્રસ્ત મંજુબેને જણાવ્યું હતું કે, સવારના વાડીએ કામ કરતા સમયે દીપડાએ મારા પર અચાનક હુમલો કર્યો હતો. મને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે મને બચાવવા જતા મારા પતિ દશરથભાઈ પર પણ દીપડાએ હુમલો કર્યો હતો. તેઓને આંખની ઉપરના ભાગે અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ દંપતીને દાહોદ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા.
દીપડાએ બે લોકો પર હુમલો કર્યો હતો. આ બંનેને સ્થાનિક લોકોએ સારવાર માટે દાહોદ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગ્રામજનોને દીપડાથી સાવધાન રહેવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. પંથકમાં અવારનવાર દીપડાના હુમલાના બનાવો બને છે. જેને લઇ વન વિભાગે જે જગ્યા પર દીપડાની અવરજવર જોવા મળે છે ત્યાં પાંજરા રાખી દીપડાને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.-- એમ. એન. બારીયા (રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ગરબાડા)
દીપડાનો હિંસક સ્વભાવ :દીપડો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસાહત તરફ ધસી આવતા હોય છે. દીપડો હિંસક પ્રાણી હોવાથી માનવજાત પર કરેલા અસંખ્ય હુમલા પણ વન વિભાગના ચોપડે નોંધાયેલા છે. ત્યારે વીતેલા સપ્તાહમાં વન્ય પ્રાણી દીપડાએ ગરબાડા રેન્જમાં આવેલ વાડીમાં ઘૂસી હુમલો કર્યાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.
- Valsad Animal Attack: બે દિવસમાં દીપડાનો બીજો જીવલેણ હુમલો, પિતા-પુત્રને બચકા ભર્યા
- Valsad News: વલસાડના વેલવાચ ગામે દીપડાનો હુમલો બે મહિલાને ઈજા