દાહોદ: શહેરના સુજાઇબાગ વિસ્તારમાં બહુમાળી બિલ્ડિંગમાં રહેતા એક જ પરિવારના પાંચ સભ્યોએ આત્મહત્યા કરી લેતા લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
દાહોદમાં વોહરા પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દ્રવ્ય આરોગી કરી સામુહિક આત્મહત્યા
દાહોદ શહેરના સુજાઇબાગ વિસ્તારની બહુમાળી બિલ્ડિંગમાં રહેતા વોહરા પરિવારે ઝેરી દ્રવ્ય આરોગીને સામૂહિક આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તમામ મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા છે.
મળતી માહિતી અનુસાર દુધિયાવાલા સૈફુદ્દીનભાઈ પત્ની અને ત્રણ બાળકો સાથે બહુમાળી બિલ્ડિંગના છેલ્લા માળે રહેતા હતા. સૈફુદ્દીનભાઈ પરિવાર સાથે રાત્રીના સમયે જમીને ઝેરી દ્રવ્ય આરોગી ઊંઘી ગયા હતા. વહેલી સવારે પરિવારના સદસ્યો મોડે સુધી ઉઠ્યા નહોતા. જેથી આસપાસ રહેતા લોકોએ દરવાજો ખોલતા પરિવાર અસ્તવ્યસ્ત પડેલો જોવા મળ્યો હતો. જેથી કંઈ અજુગતુ બન્યાની જાણ થતા પોલીસને માહિતી આપી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.