દાહોદ : આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં હોળીના પર્વના આગમન સાથે મેળાઓનો પર્વ પણ શરૂ થતા હોય છે. હોળીના ચાર દિવસ પહેલા આમલી અગીયારસનો મેળો, ઉપરાંત હોળીના બીજા દિવસથી જ ચુલનો મેળો શરૂ થતો હોય છે, ત્યારબાદ અઠવાડિયા સુધી જિલ્લાભરમાં પરંપરાગત મેળાઓ જિલ્લાવાસીઓ માણતા હોય છે. ધૂળેટી પર્વના રોજ શરૂ થતો ચુલનો મેળો જિલ્લાભરમાં આકર્ષણનો કેન્દ્ર બનતો હોય છે.
દાહોદમાં ધુળેટી પર્વ નીમિતે અનોખી પરંપરા, તમે પણ વીડિયો જોઇ ચોંકી ઉઠશો - ધુળેટી
જિલ્લામાં ધુળેટી પર્વ નિમિત્તે અંગારામાં ચાલવાની અનોખી પરંપરાનો ચૂલનો મેળો જોવા મોટી સંખ્યામાં લોકો જિલ્લાભરમાં ઉમટતા હોય છે. જિલ્લાના રણીયાર, ગાંગરડી સહિત વિવિધ જગ્યાએ ભરાતા આ ચુલના મેળામાં લોકો ધગધગતા અંગારા પર ચાલતા હોય છે અને પોતાની માનતા પૂરી કરી ધન્યતા અનુભવતા હોય છે.

જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભરાતા આ મેળામાં સૌથી મહત્વનો ઝાલોદ તાલુકાની રણીયાર ચૂલનો મેળો ભરાતો હોય છે. આ ચૂલનો મેળો જોવા માટે રાજ્ય ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. ધુળેટી પર્વ નિમિત્તે રણીયાર ગામે આવેલા રણછોડરાયજીના મંદિર આગળ બપોરના સમયે 5.25 ફૂટ લાંબી અને 1.5 ફુટ પહોળી ચૂલ ખોદવામાં આવે છે. આ ખોદેલી ચુલ પર પહેલા ગ્રામજનો ચાલતા હોય છે, ત્યારબાદ ગામમાંથી ઉઘરાવેલા લાકડાઓ લાવીને ચુલને પ્રગટાવવામાં આવે છે.
આ ચૂલમાં પ્રગટાવેલા લાકડા ધગધગતા અંગારા બની જાય છે, ત્યારબાાદ તેને ગરમ ચુલ કહેવામાં આવે છે. આ ગરમ ચુલ પર ચાલતા પહેલા ગામના લોકો કે બહારથી આવેલા શ્રદ્ધાળુઓ તળાવના પાણીમાં સ્નાન કર્યા બાદ હાથમાં કળશ લઈને ચુલ પર ચાલવા તૈયાર થઈ જતા હોય છે. આ અંગારા વાળી ચૂલમાં ચાલતાં પહેલા ગામમાંથી ઉઘરાવવામાં આવેલો ઘી નો લીલા લીમડાની ડાળી દ્વારા અભિષેક ચૂલમાં કરવામાં આવે છે, ત્યારે ધગધગતા અંગારા વાળી ચૂલ આગની જ્વાળામાં પ્રજ્વલિત થવા સાથે જ ચૂલ ચાલનારા લોકો જય રણછોડના નાદ સાથે ધગધગતા અંગારામાં ચાલવા માંડતા હોય છે. ચુલના ધગધગતા લાલચોળ અંગારામાં ચાલનારા શ્રદ્ધાળુઓની આસ્થા એટલી મજબૂત હોય છે કે તેઓ ચાલ્યા પછી પણ તેમના પગમાં જરા પણ ખરચ આવતી નથી અને તેઓ ફૂલ પર ચાલ્યા હોય તેવો અહેસાસ કરતા હોય છે.