દાહોદ: દાહોદ જિલ્લાના નાગરિકો કોરોના વાઇરસને માત આપવા માટે લોકડાઉનનું ચુસ્ત પાલન કરી રહ્યાં છે, ત્યારે જિલ્લામાં રાજ્ય કક્ષાના પ્રધાન બચુભાઇ ખાબડ અને સાંસદ જસંવતસિંહ ભાભોરે સામાન્ય લોકો લોકડાઉનથી જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે, તેમની સ્થિતિથી વાકેફ થઇ તેમને વર્તમાન સ્થિતિનો જોમભેર સામનો કરવા પ્રેરિત કર્યાં હતાં.
રાજ્યપ્રધાન બચુભાઈ ખાબડ અને સાંસદ જશવંતસિંહ ભાભોરે દેવગઢબારીયા તાલુકાની મુલાકાત લઇ લોકડાઉનના કપરા સમયમાં નાગરિકોની સ્થિતિથી અવગત થયા હતા. આ સાથે તાલુકામાં લોકડાઉનનું અસરકારક પાલન કરવામાં આવે છે કે નહીં, તેની સમીક્ષા કરી હતી. તેમણે સસ્તા રાશનની દુકાનોની પણ મુલાકાત લીધી હતી અને કાર્ડધારકોને રાશન યોગ્ય રીતે મળી રહે છે કે નહી, રાશનની ગુણવત્તા વગેરે બાબતે માહિતી મેળવી હતી. તેમણે નાગરિકોને આવશ્યક વસ્તુઓની ખરીદી વખતે માસ્ક પહેરવા માટે અને સામાજિક અંતર રાખવા જણાવ્યું હતું.