ત્રણ રાજ્યોની સરહદે આવેલ આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના ગ્રામીણ પંથકમાં અભ્યાસ કરતા બાળકો ધોરણ 12 ની પરીક્ષા પાસ કર્યા બાદ જિલ્લાની કોલેજોમાં પ્રવેશ માટે પ્રવેશ ફોર્મ ભર્યા હતા. તો કેટલાક વિદ્યાર્થીઓને નોલેજના અભાવે તેમજ સર્વર પ્રોબ્લેમના કારણે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ન ભરી શકતા આશરે 400 જેટલા વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશથી વંચિત રહી ગયા હતા.
દાહોદ કોલેજમાં પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓના ધરણા, ભાજપ-કોંગ્રેસે વિદ્યાર્થીઓની માંગમાં શૂર પુરાવ્યો - Students strike
દાહોદઃ આદિવાસીનું વર્ચસ્વ ધરાવતા દાહોદ જિલ્લામાં આશરે 400 જેટલા વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવાથી વંચિત રહી ગયા છે. વારંવાર રજૂઆતો છતાં ભણવા માટે કોલેજમાં પ્રવેશ નહીં મળતા દાહોદ કોલેજના ગેટ પર વિદ્યાર્થીઓ સાથે ભાજપ-કોંગ્રેસના પદાધિકારીઓ એક મંચ પર બેસી પ્રવેશની માંગ સાથે ધરણા યોજ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા એક બાજુ શિક્ષણથી કોઈ વંચિત નહીં રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ કોલેજમાં ભણવાની ઈચ્છા રાખનાર વિદ્યાર્થીઓ એડમિશન માટે ફાંફાં મારી રહ્યા છે. કોલેજમાં વારંવાર ધક્કા ખાઇને થાકી ગયેલા વિદ્યાર્થીઓ એડમિશન મળે તે માટે જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યું હતું. તેમજ 18મી સુધી એડમિશન નહીં મળે તો, ધરણા યોજવામાં માટે વાલીઓ અને વિવિધ સંગઠનોએ ચીમકી પણ આપી હતી.
ત્યારે સમયમર્યાદાનુ અલ્ટિમેટમ છતાં પણ વિદ્યાર્થીઓને કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ નહીં મળતાં આજે ઝાલોદ રોડ પર આવેલ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ગેટ પર ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા છે. આદિવાસી વિદ્યાર્થીઓના શિક્ષણનો પ્રશ્ન હોવાથી ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોના આગેવાનો એક મંચ પર જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓના ધરણાને કારણે કોલેજમાં ભણવા આવેલા અન્ય વિદ્યાર્થીઓ રજા લઈ ઘરે જતા જોવા મળ્યા હતા. સાથે જ ધરણા કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.