દાહોદઃ ત્રણ રાજ્યોના ત્રિભેટે આવેલા દાહોદ જિલ્લાના વડામથક દાહોદ મુકામે રેલવે અને એસટી બસ દ્વારા રોજિંદા પ્રવાસીઓથી સ્ટેશન 24 કલાક ધમધમતું જોવા મળતું હતું. પરંતુ કોરોના વૈશ્વિક મહામારીએ દેશમાં ડગલાં માંડતા લોકડાઉન જાહેર થયું હતું. જેને પગલે બસ-ટ્રેન બંધ થયાં અને તેના કારણે સ્ટેશનો પર ધંધારોજગાર પણ બંધ થઈ ગયાં હતાં. અનલોક-1માં સરકારે થોડીક છૂટછાટ સાથે એસટી અને રેલવે ટ્રેનો ફરી દોડાવવાનું શરૂ કર્યું છે. પરંતુ ટ્રાફિક ન હોવાના કારણે ચાનાસ્તાની દુકાનવાળાઓને વેપાર ધંધો નહીં ખુલતાં તેઓ મુશ્કેલીમાં મૂકાયાં છે.
અનલોકમાં એસટી-રેલવે સેવા શરૂ તો થઈ પણ દાહોદમાં કેન્ટીન સંચાલકોના ‘પડ્યા પર પાટું’ જેવા હાલ - ST Bus
એસટી અને રેલવેના પૈડાં અનલોક-1માં ગતિમાન થઈ ગયાં છે. પરંતુ સ્ટેશન પર પ્રવાસી જનતાના ઓછા ટ્રાફિકના કારણે સ્ટોલ અને ચાની લારીઓવાળાના ધંધા રોજગાર હજી પાટા પર નહી ચડવાના કારણે આર્થિક સ્થિતિ કફોડી બની રહી છે. એટલે સુધી કે તેમને માટે દુકાનનું ભાડું અને મજૂરોના પગાર પણ કાઢવા મુશ્કેલ બન્યાં છે.
દાહોદમાં રોજિંદી માત્ર ગણતરીની ચારથી પાંચ જેટલી અપડાઉન લાઇન પર દોડતી રેલવે ટ્રેનો સ્ટોપેજ કરી રહી છે. તેમજ એસટી વિભાગ દ્વારા ગણતરીની એસટી બસ દોડાવવામાં આવી રહી હોવાના કારણે બસ સ્ટેશનમાં પ્રવાસીઓનો ટ્રાફિક લિમિટેડ જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફના પ્રવાસીઓએ હજી આવવાનું શરૂ થયું નથી. આમ ઓછા ટ્રાફિક અને કોરોના મહામારીના પગલે સ્ટેશન પર આવેલી નાસ્તા કેન્ટીન પરનો વેપાર ધંધો પાટા પર ચડ્યો નથી. કેન્ટીનમાં પ્રવાસીઓ ચા પીવા અને નાસ્તો ખરીદવામાં પણ કોરોનાના ડરથી સંકોચ અનુભવી રહ્યાં છે.
દાહોદ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચાની લારીવાળા જેવા રોજિંદા વેપારી પણ ધંધામાં ત્રીસેક ટકા જેટલો ફટકો પડ્યો હોવાનું જણાવે છે.આ સ્થિતિમાં દાહોદ સ્ટેશન પર કેન્ટિન સંચાલકને ભાડું ભરવું પણ મુશ્કેલ બન્યું છે. તેમ જ કેન્ટીનમાં કામ કરતાં રોજમદારોનું મહેનતાણું કાઢવુંં પણ સમસ્યારૂપ બન્યું છે. સ્ટોલ માલિકોને આ કારણે અડધા રોજમદારોને છૂટાં કરી દેવાની ફરજ પડી છે. એક બાજુ એસટી વિભાગે કેન્ટીન સંચાલકોને લોકડાઉન દરમિયાન બંધ રહેલ કેન્ટીનનું પણ ભાડું ભરવા નોટિસ ફટકારી દીધી છે તો બીજી બાજુ અનલોક વનમાં માંડ દસ ટકા જેટલો વેપાર થતો હોવાના કારણે કેન્ટીન માલિકો માટે પડતાં પર પાટુ જેવી કફોડી સ્થિતિનું નિર્માણ થયું છે.