દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં આવેલા નાનીઝરી ગામે રાત્રી દરમિયાન પશુપાલન અને ગૌ સંવર્ધન જેવા મુદ્દાઓને લઈને બચુભાઈ ખાબડની અધ્યક્ષતામા ગ્રામસભા યોજાઈ હતી. પ્રાંસગીક ઉદ્બોધનમાં સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીનો પણ ચિતાર આપવામાં આવ્યો હતો. રાજય સરકારની વ્હાલી દિકરી યોજના વિશે જણાવતા કહયું હતું કે, નાનો વિચાર પણ એક સમાજને સમૃદ્ધ થવા તરફ લઈ જાય છે.
દાહોદના નાની ઝરી ગામે રાત્રી ગ્રામસભા યોજીને કર્યાં નાગરિકોના પ્રશ્નો હલ, કલેક્ટર પણ રહ્યા ઉપસ્થિત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વિકાસનો સુર્વણયુગ છે. આખુ તંત્ર સામે ચાલીને તમારી સમસ્યાઓના નિરાકરણ માટે આવે છે. પરંતુ આપ સૌની જાગૃત્તિ વિશેષ મહત્વની છે. આપની સમસ્યાઓના નિદાન માટે સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મેળવો તથા તેનો લાભ મેળવો. અમે કહીએ અને તમે સાંભળીને જતા રહો તે ન થવું જોઇએ. ગામડાની સમૃદ્ધિને આધારે જ નવા ભારતની રચના કરવાની છે.
તો સાથે સાથે જિલ્લાના કલેક્ટર વિજય ખરાડીએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, સરકાર જનતાને હિતાર્થે અનેક યોજનાઓ ચલાવે છે, પરંતુ પૂરતી માહિતીના અભાવે લોકો યોજનાઓનો લાભ લઈ શકતા નથી. તેથી યોજનાઓ વિશે માહિતગાર થવું જરૂરી છે.
જિલ્લામાં કુપોષણની સમસ્યા દૂર કરવા, બાળક શારિરીક માનસિક રીતે તંદુરસ્ત બને તે માટે તેને આંગળવાડી-શાળામાં નિયમિત મોકલવો જરૂરી છે. ગામના આગેવાનો, નાગરિકો, માતા-પિતાએ આ બાબતને એક ઝુંબેશ સ્વરૂપે લેવી જોઇએ. આંગળવાડી સમયસર ખુલ્લે, તેમાં બાળકો સમયસર આવે તથા ત્રણ સમયનું ભોજન આપવામાં આવશે તો કુપોષણની સમસ્યા દૂર થશે.
રાત્રી ગ્રામસભામાં ગ્રામજનોની વિવિધ અરજી-પ્રશ્ન પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગ્રામજનોએ નાનીઝરી ગામમાં પાકા રસ્તા બનાવવા, સિંચાઈ યોજનાઓ, વિજળી તથા ખેતરમાં ભૂંડ દ્વારા કરવામાં આવતા નુકશાન જેવા પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.
પ્રધાન બચુભાઇ ખાબડે ઉપસ્થિત અધિકારીઓને ગ્રામજનોના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા તાકીદ કરી હતી. રાત્રીગ્રામ સભામાં પ્રધાનમંત્રી આવાસ યોજના, વૃધ્ધ પેન્શન યોજના, વિધવા સહાય યોજના, ઉજ્જવલા ગેસ યોજનાના લાર્ભાથીઓને સહાય આપવામાં આવી હતી.