દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામમાં એક જ પરિવારના 6 સભ્યોની ક્રુર હત્યાનો ચોકાવનારો મામલો સામે આવ્યો છે. ગામમાં રહેતા એક શ્રમજીવી પરિવાર 4 બાળકો અને પતિ-પત્ની હત્યા કરેલ હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ અત્યંત સનસનીખેજ ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા પોતાના કાફલા સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઘટનાના રહસ્યની ગુથ્થી સુલઝાવવા પોતાની આગવી સુઝવાપરી અન્ય અધિકારી ગણને માર્ગદર્શન આપ્યું હતું.
દાહોદ: તરકડા મહુડી ગામે સામુહિક હત્યાકાંડ, એક જ પરિવારના 6 લોકોની હત્યા
દાહોદ: જિલ્લાના સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે રાતે મીઠી નિંદર માણી રહેલા એક જ પરિવારના 6 સભ્યોની નિર્મમ હત્યા કરવામાં આવી છે. ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી આખા પરિવારને રહેંસી નાખ્યો હતો.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે દંપતી અને ચાર બાળકોની નિર્દયતાપૂર્વક ક્રુર હત્યાનો મામલો પ્રકાશમાં આવતાં ગામમાં લોકો ઘેરા શોકનું વાતાવરણ ફેલાયું છે. તરકડા મહુડી ગામમાં રહેતા શ્રમજીવી પરિવારના 40 વર્ષીય ભરતભાઈ કડકીયાભાઈ પલાસ, તેની પત્ની સમીબેન ભરતભાઈ પલાસ, 12 વર્ષીય દિકરી દિપીકાબેન ભરતભાઈ પલાસ, 10 વર્ષીય પુત્ર હેમરાજભાઈ ભરતભાઈ પલાસ, 8 વર્ષીય પુત્ર દિપેશભાઈ ભરતભાઈ પલાસ તથા 6 વર્ષીય પુત્ર રવીભાઈ ભરતભાઈ પલાસ ગુરૂવારની રાત્રીએ જમી રોજની જેમ પોતપોતાની જગ્યાએ ખેતરની બાજુમાં આવેલા મકાનમાં સુઈ ગયા હતા. આમ આ સમગ્ર પરિવાર મીઠી નીંદર માણી રહ્યો હતો. ત્યારે જ તેઓની ક્રુર સામુહિક હત્યા કરવામાં આવી હશે, તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. પરિવારના 6 સભ્યોનું કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ગળુ કાપીને ક્રુરતાપુર્વક સામુહિક હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે.
પરિવારના 4 સભ્યો ઘરની બહાર સુઈ રહ્યા હતા અને પરિવારના અન્ય બે સભ્યો ઘરની અંદર સુઈ રહ્યા હતા. ત્યારે જ તેમનું સર્વેનું ઉંઘમાં જ કાસળ કાઢી કામ તમામ કરી નાખવામાં આવ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ અધિક્ષક પોતાના કાફલા સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી અંગેના માર્ગદર્શન અને સૂચના આપી હતી. જેથી સંજેલી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી પરિવારના 6 મૃતકોના મૃતદેહને પીએમ માટે મોકલી આપી હતી અને હત્યા પાછળના રહસ્યની ગુથ્થી સુલઝાવવા પોલીસે ઉંડી તપાસ હાથ ધરી છે. ત્યારે બીજી તરફ મૃતક ભરતભાઈ પલાસના કાકાના છોકરા 22 વર્ષીય વિક્રમ ચુનીલાલ પલાસે મોરબી ખાતે રેલ્વે ટ્રેન નીચે પડતુ મુકી આત્મહત્યા કરી લીધાનું જાણવા મળેલ છે.
તરકડાના મહુડી ગામે એક જ પરિવારના 6 સભ્યોની કરવામાં આવેલ સામુહિક હત્યા વિશે માહિતી આપતા જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જાયસરે જણાવ્યું હતું કે, ભરત પલાસની સાથે સાથે તેની પત્ની અને તેના ચાર માસૂમ બાળકોની નિર્મમ હત્યા કરવામાં આવી છે. તમામ મૃતકના ગળાના ભાગે ઈજાના નિશાન દેખાયા છે. પોલીસે એફએસએલ અને ડોગસ્કવોર્ડની મદદથી તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ દ્વારા ક્રાઈમ બ્રાંચ, એસઓજી સહિતની પાંચ ટીમો બનાવી આ ઘટનાના રહસ્યનો પર્દાફાશ કરવા કામે લગાડી છે. પોસ્ટમોર્ટમ અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ વધુ તથ્યો બહાર આવશે તેવી આશા વ્યક્ત કરી હતી.