દાહોદ : રાજય સરકાર દ્વારા સાત પગલા ખેડૂત કલ્યાણના અંતર્ગત ગુજરાતને નવી હરીયાળી ક્રાંતિ તરફ દોરી જતી આ સાત યોજનાઓ પૈકી વધુ બે યોજનાઓનો રાજયવ્યાપી પ્રારંભ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરાવ્યો છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ રાજય પ્રધાન બચુભાઇ ખાબડે લીમખેડાના કાચલા ગામ ખાતેના બાપુ નરસીંહ સેવાનંદધામથી આ બે યોજનાઓનો પ્રારંભ કર્યો છે.
સાત પગલા ખેડૂત કલ્યાણની બે યોજનાનો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો ત્યારે દાહોદ જિલ્લામાં આ બંને યોજનાઓનો શુભારંભ પ્રસંગે રાજય પ્રધાન બચુભાઇ ખાબડે જણાવ્યું કે, ખેડૂતોની આવક વર્ષ 2022 સુધીમાં બમણી કરવાના ઉદ્દેશ સાથે આ સાતેય યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જે પૈકી ત્રીજી અને ચોથી યોજનાનો પ્રારંભ કરવામાં આવે છે. રાજયભરમાં આરંભ થનારી આ બે યોજનાઓ પૈકી પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના માટે દાહોદ જિલ્લાના 4500 ખેડૂતોને રૂપિયા 486 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજના અંતર્ગત જિલ્લાના 3630 ખેડૂતોને 49 લાખથી વધુની સહાય કરવામાં આવશે.
જે અંતર્ગત 3108 ખેડૂતોની અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જિલ્લાના ખેડૂતો આ સાતેય યોજનાઓનો વધુમાં વધુ લાભ લઇ શકશે. ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને આ યોજનાઓ સાચા અર્થમાં ચરિતાર્થ કરશે.
તેમણે જણાવ્યું કે, દાહોદનો ખેડૂત જો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવશે તો તેમની આવક નિશ્વિત બમણી થશે. પ્રાકૃતિક ખેતી ઝીરો બજેટ ખેતી છે અને ગાયના દૂધની પણ વૈકલ્પિક આવક ખેડૂતને મળતી થશે. આ માટે રાજય સરકારે પ્રતિમાસ રૂપિા 900 અને વાર્ષિક રૂપિયા 10800 દેશી ગાયના નિભાવખર્ચ માટે ખેડૂતને મળશે. આ માટે દરેક ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી રહી છે. પ્રાકૃતિક ખેતી માટેની કૃષિ કીટ માટે પણ રાજય સરકાર રૂપિયા 1350 સુધીની સહાય કરી રહી છે. જેમાં 200 લીટરનું ઢાંકળા વગરનું ડ્રમ, 10 લીટરના બે પ્લાસ્ટિકના ટોકર-ટબ, 10 લીટરની પ્લાસ્ટિકની ડોલનો આ કીટમાં સમાવેશ થાય છે.
તેમણે ઉમેર્યું કે, આપણી રાજય સરકારે ખેડૂતો માટે ઘણી નક્કર અને મહત્વપૂર્ણ યોજનાઓ લાગુ કરી રહી છે. ત્યારે જિલ્લાના ખેડૂતો પણ જાગૃત રહે અને આ યોજનાઓનો મહત્તમ લાભ લે તે જરૂરી છે. રાજય સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઊભી રહી છે. તેમના હિતનો વિચાર કર્યો છે. ખેડૂતોને આધુનિક ટેકનોલોજીથી જોડવા, તેમને ઓછા ખર્ચે મહત્તમ ઉત્પાદન મળે તે માટેના પ્રયત્નો કર્યા છે. પ્રાકૃતિક ખેતી દાહોદનો દરેક ખેડૂત અપનાવે અને રાસાયણીક ખાતરથી થતાં નુકસાનથી બચે. આ સાતેય યોજનાઓ થકી દાહોદનો ખેડૂત આત્મનિર્ભર બનશે એ સપષ્ટ જોઇ શકાય છે.