દાહોદ : મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડનો 4મો સ્થાપના દિન નિમિતે દાહોદ શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં આવેલ પંડિત દિનદયાલ ઓડીટોરીયમ મુકામે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકને સંબોધન કરતાં ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું કે, મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ નગરોનો વિકાસ થાય એ માટે જરૂરિયાત મુજબની સંપૂર્ણ ગ્રાંટ આપવામાં આવી છે. આ વર્ષે કોરોના મહામારીનું વર્ષ છે અને એમાં રાજ્ય સરકાર દ્વારા કરકસરના પગલાં લેવાઇ રહ્યા છે. આમ છતાં, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા ફાળવવામાં આવતા નાણાંમાં કોઇ કાપ મુખ્યપ્રધાને મૂક્યો નથી. તેમણે ઉમેર્યું કે, ગુજરાતની કૂલ વસ્તીનો મોટો હિસ્સો નગરો અને શહેરોમાં વસવાટ કરી રહ્યો છે. રાજ્ય સરકારનો વિકાસમંત્ર રહ્યો છે કે, જ્યાં માનવી ત્યાં સુવિધા, તેની આંતરમાળખાકીય વિકાસના કામો કરવામાં નગરપાલિકાની મહત્વની ભૂમિકા રહેલી છે. નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ એક ટીમ બની કામ કરે અને લોકોને ભૌતિક સુવિધા આપવાની અપેક્ષા પૂર્ણ કરે, એવું ભંડેરીએ આહ્વાન કર્યું હતું.
ચેરમેને કહ્યું કે, નગરપાલિકાઓની નિયમોનુસારની સામાન્ય સભાઓ સમયસર અને નિયમિત મળે એ જરૂરી છે. નગરપાલિકાના અધિકારીઓ લોકોની જરૂરિયાત મુજબના કામોનું આયોજન સમયસર કરે, તેની મંજૂરી મળ્યા બાદ કામો નિયત મર્યાદામાં પૂર્ણ થાય એવા ખંતથી કામ કરવા તેમણે શીખ આપી હતી.