દાહોદ: વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના ઉત્તરોતર વધી રહેલા સંક્રમણના કારણે દાહોદ જિલ્લા આરોગ્ય અને વહીવટી તંત્ર સતત ચિંતાતુર જોવા મળી રહ્યું છે. જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ નિયંત્રણ હેઠળ લાવવા માટે આરોગ્ય અને વહીવટી તંત્રના અનેક પ્રયાસો છતાં પણ દિન-પ્રતિદિન પોઝિટિવ કેસો વધી રહ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા ટેમ્પરેચર વધી જવું, શરીરમાં દુ:ખાવો, ઉધરસ આવવી, ગળામાં ખરાશ અને શ્વાસ લેવામાં તકલીફ પડવી અને શરદી-ખાંસી જેવા કિસ્સામાં તબીબની સલાહ લેવા જણાવવામાં આવ્યું છે ત્યારે જાગૃત નાગરિકો દ્વારા કોરોના કાળની શરૂઆતથી જ મેડિકલ સ્ટોર પરથી તાવની ચકાસણી, ઓક્સિજન લેવલ ચકાસવા અને ડાયાબિટીસ માપવા માટેના મેડિકલ ઉપકરણોની ખરીદી કરી રહ્યા છે. આ સાધનોમાં ઓક્સીમિટર, ઇન્ફ્રારેડ, થર્મોમિટર, સેનીટાઇઝર, માસ્ક સહિતના સાધનોની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે.
આ અંગે તૃષ્ણા પર્વતીયા જણાવે છે કે પોતે ડાયાબિટીસના દર્દી હોવાના કારણે લોકડાઉન થતાં સુગર,બીપી અને તાવ માપવા માટે ઓક્સીમીટર-થર્મોમીટર સહિતના સાધનો ઘરમાં વસાવ્યા હતાં આ વસાવેલા સાધનો કોરોના કાળ દરમ્યાન તેમના માટે ઘણા ઉપયોગી નીવડ્યા છે.