દાહોદ: જિલ્લાની સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં 200 પથારી કોરોનાના દર્દીઓ માટે રખાવામાં આવશે. જરૂર પડે તો સમગ્ર જિલ્લામાં 1400 પથારીનું આયોજન કરવામાં આવશે. પોલીટેકનિક હોસ્ટેલમાં 120 અને ખરેડીની એકલવ્ય મોડેલ રેસીડન્સી સ્કૂલમાં 150 બેડની સુવિધા સાથે કોવિડ કેર સેન્ટરની તૈયારી કરવામાં આવી છે.
દાહોદમાં વૈશ્વિક કોરોના મહામારીનો સંક્રમણ જિલ્લામાં પ્રવતમાન સમય દરમિયાન ઉત્તરોતર વધતા જિલ્લા આરોગ્ય અને વહીવટીતંત્ર પણ અગમચેતીના પગલા ભરી રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અગમચેતીના ભાગરૂપે પોલીટેકનીકલ હોસ્ટેલમાં 120 અને ખરેડી મુકામે 150 બેડ સહિત જિલ્લામાં 1400 પથારીનું કોવિડ કેર સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું છે.
દાહોદમાં કોરોના વાઇરસના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અહીં ઝાલોદ રોડ પર આવેલી સરકારી ઇજનેરી કોલેજમાં નવું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના દર્દીઓની સારવાર માટે 120 પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત જરૂર પડે એવા સંજોગોમાં દેવગઢ બારિયામાં 300 બેડ સહિત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કુલ મળી 1400 બેડ તૈયાર રાખવાનું આયોજન પણ કરી લેવામાં આવ્યું છે.
છેલ્લા એક પખવાડિયાથી દાહોદ જિલ્લામાં કોરોના વાઇરસના કેસોનો નોંધાયેલો વધારો ચિંતાજનક છે. એ બાબતને ધ્યાને લઇ કલેક્ટર વિજય ખરાડીએ દર્દીઓને સારવારમાં કોઇ કસર ન રહી જાય એવી વ્યવસ્થા કરવા માટે આરોગ્ય તંત્રને સૂચના આપી હતી. હાલમાં દાહોદમાં સરકારી ટેકનિકલ હાઇસ્કૂલ ખાતે એક કોવિડ કેર સેન્ટર કાર્યરત છે. તે બાદ સરકારી ઇજનેરી કોલેજમાં પણ હવે 120 પથારીની સુવિધા ધરાવતું કોવિડ કેર સેન્ટર કાર્યરત કરી દેવામાં આવ્યું છે. ત્યાં કોરોના દર્દીઓના સંભાળ માટેની તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અહીં એક રૂમમાં ત્રણ પથારી મળી કુલ 40 રૂમમાં કોરોનાના દર્દીઓની સંભાળ લેવામાં આવશે.
દાહોદ જિલ્લા માટે બીજી મહત્વની વાત એ છે કે, ઝાયડ્સ સિવિલ હોસ્પિટલ ખાતે 158 પથારી કોરોના વાઇરસના દર્દીઓ માટે છે. તેમાં પણ વધારો કરી જૂની બિલ્ડિંગમાં બીજી વધારાની 200 પથારી કોરોનાના દર્દીઓ માટે બનાવવામાં આવશે. આ ઉપરાંત પોલિટેકનિક કોલેજના હોસ્ટેલ બિલ્ડિંગમાં 120 બેડ તથા ખરેડી ખાતે આવેલી એકલવ્ય મોડેલ રેસીડન્સી સ્કૂલની બે ઇમારતમાં 150 બેડની સુવિધા સાથેના કોવિડ કેર સેન્ટર તૈયાર રાખવામાં આવશે. દાહોદના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આરોગ્ય વિભાગની જરૂરિયાત મુજબ CCC બનાવવામાં આવી રહ્યા છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. ડી. પહાડિયાએ જણાવ્યું કે, દાહોદ નગર અને જિલ્લાની મોટી હોસ્પિટલના બેડ પણ કોવિડ માટે નિયત કરવામાં આવશે. ખાનગી હોસ્પિટલોના 300 જેટલા બેડ મળી શકે એમ છે. દાહોદમાં નાગરિકોને આરોગ્યની બાબતે કોઇ પણ મુશ્કેલી ન પડે એવી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.