દાહોદઃ કોરોના વાઈરસના સંક્રમણથી બચવા ઘરે રહો અને સ્વચ્છતા રાખોના સંદેશા સાથે એક યુવાન સાયકલ ઉપર દેશાટન ઉપર નીકળ્યો છે. દેશના વિવિધ 27 રાજ્યોમાં આ સંદેશ પ્રસરાવી આ યુવાને ગુજરાતમાં વાપીથી પ્રવેશ કરી દાહોદ આવી પહોંચ્યો હતો. તે સાયકલ ઉપર કોવિડ-19 અને સ્વચ્છતાના બેનરો લગાવી માર્ગમાં આવતા તમામ ગામોમાં સંદેશો પ્રસરાવતો જાય છે.
હરિદ્વારના એક આશ્રમના 29 વર્ષીય અંતેવાસી લુઇસ દાસ ગત્ત તારીખ 30 ઓક્ટોબરના રોજ સ્વચ્છતાના સંદેશ લઇ સાયકલ યાત્રા ઉપર નીકળ્યા છે. તેની યાત્રાના પ્રથમ તબક્કે તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા સ્વચ્છતાનો સંદેશ પ્રસરાવતા જતાં હતા. સાયકલ યાત્રા શરૂ કરી તે બાદના શરૂઆતી દિવસોમાં તેમણે શારીરિક મુશ્કેલીઓનો પણ સામનો કરતા રહ્યાં હતા. પણ, તેઓ પોતાના સંકલ્પ પ્રત્યે દ્રઢ રહ્યાં છે. જેમ જેમ યાત્રા કરતા રહ્યાં તેમ તેમ તેમનો ઉત્સાહ બેવડાતો રહ્યો છે. તેઓ પોતાની સાયકલ રિપેરિંગનો સામાન સાથે રાખે છે. ક્યાંય પણ ખરાબી થઇ તો સાયકલ જાતે જ રિપેર કરી લે છે. વળી, તેઓ પોતાના ખાવાપીવાની પણ ચિંતા કરતા નથી. તેમના અત્યાર સુધીના દેશાટન દરમિયાન માર્ગમાં હોટેલવાળા, કેટલાક નાગરિકોએ જમવાનું આપ્યું છે.